· ડબલ એન્જિન સરકાર સામે લોકોનો આક્રોશ ચરમસીમાએ છે : શ્રી અમિત ચાવડા
· જન આક્રોશ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈને જનતા પરિવર્તનનો શંખનાદ કરવા તૈયાર છે : શ્રી અમિત ચાવડા
· ડબલ એન્જિન સરકારમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ ડબલ ગતિએ વધી રહ્યું છે : શ્રી અમિત ચાવડા
· ભાજપના રાજમાં કમિશન વગર કોઈનું કામ થતું નથી : ડૉ. તુષારભાઈ ચૌધરી
જન આક્રોશ યાત્રાના બારમા દિવસની શરૂઆત પાટણ શહેરથી થઈ. ત્યારબાદ યાત્રા દુધરામપુરા, દુણાવાડા, રોડા, રાધનપુર, વરાણા, સમી,હારીજ, કુકરાણા અને મુજપુર માર્ગે શંખેશ્વર તરફ આગળ વધી. યાત્રા દરમ્યાન રસ્તામાં સ્થાનિકોએ અનેક સ્થળોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે પાટણ જિલ્લાની નદીઓમાં મોટાપાયે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. ખનન માફિયા એટલા નિરંકુશ થઈ ગયા છે કે તેઓ ખનીજ વિભાગના અધિકારીઓનું ટ્રેકિંગ કરે છે અને તેમની જાસૂસી કરે છે. ખનન માફિયાના ડમ્પરો લોકોની પરવા કર્યા વગર રસ્તાઓ પર લોકોને કચડી નાખે છે અને આ બધું ખુલ્લેઆમ થઈ રહ્યું છે, કારણ કે તેમના હપ્તા સીધી રીતે ગાંધીનગર સુધી પહોંચે છે. મોટા ભાગના ખનન માફિયા ભાજપના કાર્યકર્તા અથવા તેમના મળતીયા છે.
મધ્યાહન ભોજન યોજનામાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. ગ્રામજનો રજુઆત કરે ત્યારે કાર્યવાહી કરવાને બદલે ઉલટાનું તેમની સામે દાદાગીરી થાય છે. દૂધસાગર ડેરી દ્વારા પૂરતો ભાવ ન આપવો, સાગરદાણમાં ભેળસેળ જેવા મુદ્દાઓ પર પશુપાલકો સંમેલન કરે ત્યારે ડેરીના હોદ્દેદારો આવીને હોબાળો મચાવે છે અને ધમકીઓ આપે છે.
સત્તામાં આટલા વર્ષો હોવા છતાં આ વિસ્તારોમાં હજુ સુધી પાણીની ગંભીર સમસ્યાઓ છે. જિલ્લામાં રોજગારીના કોઈ સારા વિકલ્પો નથી. નગરપાલિકાઓ ભ્રષ્ટાચારના અડ્ડા બની ગઈ છે. મહિલા પ્રમુખની જગ્યાએ તેમના પતિ ચીફ ઓફિસર સાથે મળીને નગરપાલિકાનો સમગ્ર વહીવટ કરે છે. રોડ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. સારી સરકારી શાળાઓ અને સરકારી હોસ્પિટલોનો પણ વિસ્તારમાં અભાવ છે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે ભાજપે 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ કર્યું નથી. ભાજપના રાજમાં માત્ર કમિશનખોરી ચાલે છે. સરકારી કચેરીઓમાં કમિશન વગર કોઈનું કામ થતું નથી. એક સમય હતો જ્યારે દેશમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે તમામ વર્ગના લોકો ખુશ હતા. આજે ભાજપના રાજમાં દરેક વર્ગના લોકો દુઃખી છે. દેશમાં લોકશાહી બચાવવા માટે ભાજપને સત્તામાંથી હટાવવું અત્યંત જરૂરી છે.
આ પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, સહપ્રભારી સુભાષિની યાદવ, પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, વડગામના ધારાસભ્ય શ્રી જીજ્ઞેશભાઈ મેવાણી, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગેમરભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ, વરિષ્ઠ આગેવાનો તથા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા.



















Recent Comments