અમરેલી

જિલ્લામાં વિવિધ સ્થળોએ સી.સી.ટી.વી કેમેરા લગાવવા ફરજિયાત

જિલ્લામાં સી.સી.ટી.વી કેમેરા લગાડવા બાબતે અમરેલી જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડ્યું છે.

અમરેલી જિલ્લાની તમામ હોટલ, ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, બેન્કિંગ સંસ્થાઓ, એટીએમ સેન્ટર, મલ્ટિપ્લેક્સ થિયેટર, લોજીંગ, બોર્ડિંગ, ધર્મશાળાઓ, આંગડિયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો કોમર્શિયલ સેન્ટરો, પેટ્રોલ પંપ તથા હોટલ ઉપર અથવા હાઇવે પર આવેલ તમામ ટોલ પ્લાઝાઓ ઉપર વાહનનો રજિસ્ટ્રેશન નંબર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે તેમજ વાહન ચાલક તથા તેની બાજુમાં બેઠેલી વ્યક્તિનું વિડીયો રેકોર્ડિંગ થઈ શકે તે રીતે સીસીટીવી કેમેરા ગોઠવવા, બેન્કિંગ સંસ્થાઓ, આંગડિયા પેઢીઓ, સોના-ચાંદીની દુકાનો અને કોમર્શિયલ સેન્ટરોમાં આવતી-જતી તમામ વ્યક્તિઓ સ્પષ્ટ રીતે ઓળખી શકાય તે રીતે સીસીટીવી કેમેરા નાઈટ વિઝન હાઈડેફિનેશન કેમેરા લગાડવા.

જાહેર સલામતીને ધ્યાને રાખી ગુનાખોરીની પ્રવૃત્તિઓને અંકુશમાં લઈ શકાય તે માટે અને વિવિધ ગુના બનતા અટકાવી શકાય અને ગુના બન્યા પછી તેના ભેદ ઉકેલવામાં મદદ મળી રહે ઉપરાંત જાહેર સ્થળો લોકોની ભીડભાળ વાળા સ્થળો તથા ઔદ્યોગિક એકમોમાં સલામતી અર્થે સીસીટીવી કેમેરા ગોઠવી વિડીયો રેકોર્ડિંગ મારફત સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની જરૂર છે.

જાહેરનામા મુજબ સીસીટીવી કેમેરા (નાઈટ વિઝન તથા હાઈડેફિનેશન) વીથ રેકોર્ડિંગ સિસ્ટમની વ્યવસ્થા કરવી. સીસીટીવી કેમેરાનો ડેટા ઓછામાં ઓછો ૩૦ દિવસ સુધી સંગ્રહ કરવાની જવાબદારી જે-તે જગ્યાના સંચાલકની રહેશે.

આવા સ્થળોના બહારના ભાગે પી.ટી.ઝેડ કેમેરા લગાવવા. સ્થળોના પાર્કિંગની જગ્યાઓનું સંપૂર્ણ કવરેજ થાય તે રીતે કેમેરા ગોઠવવા. રિસેપ્શન સેન્ટર, લોબી, બેઝમેન્ટ તથા જાહેર નાગરિકો માટે પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓનું સંપૂર્ણ કવરેજ થાય એ રીતે કેમેરા ગોઠવવા.

આ જાહેરનામુ તા.૨૯.૦૧.૨૦૨૬ સુધી અમલી રહેશે, તેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે કાનૂની કાર્યવાહી થશે.

Related Posts