રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રીશ્રી અને અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાએ રવિવારે વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા મુકામે સરકારી આયુર્વેદિક દવાખાનાના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે શાળામાં યોજાયેલા અભિવાદન સમારંભને સંબોધતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં વિકાસકાર્યો આપી રહી છે. વડિયા તાલુકામાં લાંબા સમયથી આયુર્વેદિક દવાખાનાના નવા બિલ્ડીંગની માંગ હતી તે પણ પૂર્ણ કરવામાં આવી રહી છે. વડિયા-કુંકાવાવ તાલુકો પણ જિલ્લાની સાથે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ વડિયા તાલુકાની પ્રથમ સરકારી કોલેજ મંજૂર કરી અને તે શરૂ થઈ જતા આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દૂર જવું પડતું નથી, તેના લીધે વિદ્યાર્થીઓને ફાયદો થશે.
તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારના હૈયે ખેડૂતોનું હીત રહેલું છે તેથી જ મુશ્કેલીના સમયમાં તાત્કાલિક રૂ. ૧૦,૦૦૦ કરોડનું કૃષિ રાહત પેકેજ અને રૂ. ૧૫,૦૦૦ કરોડની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી ખેડૂતોને મુશ્કેલીમાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે.
આ કાર્યક્રમના પ્રારંભ અગ્રણીશ્રી અતુલભાઈ કાનાણીએ પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ગામના સરપંચશ્રી તેમજ અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments