અમરેલી

સ્માર્ટ ફોનની ખરીદી માટે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૬,૦૦૦ સુધીની સહાય

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે “મારી યોજના પોર્ટલ” શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી, અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાતો સહિતની જીણવટભરી વિગતો સરળતાથી મળી જાય છે.

મારી યોજના પોર્ટલ પર ‘સ્માર્ટ ફોન ખરીદી માટે સહાય’ યોજનાની માહિતી આપવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે દિનપ્રતિદિન ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઈ.ટી ટેક્નોલોજીના ઉપયોગ થકી અદ્યતન તકનીકો અપનાવીને પોતાની આવકમાં વધારો મેળવતા થયા છે.

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ ‘સ્માર્ટ ફોન ખરીદી માટે સહાય’ યોજના અમલી છે. આ યોજના હેઠળ ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી કર્યેથી રૂ. ૧૫ હજાર સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર છે. જેમાં ખેડૂતને સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૪૦ ટકા લેખે સહાય અથવા રૂ. ૬ હજાર બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે.  આ યોજના હેઠળ ખેડૂતો માત્ર એક જ વાર સહાય મેળવી શકે છે.

હવામાન ખાતાની આગાહી, વરસાદ સંબંધિત આગાહી, સંભવિત રોગ જીવાત ઉપદ્રવની માહિતી ખેડૂતો ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ, ખેતીવાડી શાખાની સહાય યોજનાઓની માહિતી મેળવવા માટે સ્માર્ટફોન ખેડૂતોને ઉપયોગી નીવડે છે.

લાભાર્થીની પાત્રતા : આ યોજના હેઠળ જમીન ધારણ કરનાર ખેડૂતોને લાભ મળવાપાત્ર છે. ખેડૂતો એક કરતા વધારે ખાતા ધરાવતા હશે તો પણ માત્ર એક જ વાર સહાય મળવાપાત્ર છે. સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના ૮-અ માં દર્શાવેલા ખાતેદારો પૈકી કોઈ એકને જ સહાય મળવાપાત્ર છે.

ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. ઉપરાંત જરૂરી સાધનિક પુરાવા જેમ કે, ૮-અની નકલ, બેંક પાસબુક નકલ, આધારકાર્ડ નકલ, સ્માર્ટ ફોન ખરીદી કરી હોય તેનું જી.એસ.ટી નંબર સાથેનું અસલ બીલ, ઉપરાંત મોબાઈલનો આઈ.એમ.ઈ.આઈ નંબર સહિતની વિગતો આપવી જરૂરી છે.

આ યોજના અંગેની વધુ વિગતો માટે ખેડૂતો મારી યોજના પોર્ટલ https://mariyojana.gujarat.gov.in/MoreDetails.aspx પરથી વિગતો મેળવી શકે છે.    

Related Posts