માતા-પિતાના ચરણોમાં છે સ્વર્ગ, તેમની સેવા એ સાચો ધર્મ,સર્વ પ્રથમ તેમને વંદન કરીએ, નમીએ તેમની શરણ”માતા-પિતા આપણા જીવનમાં સૌથી મહત્વ પૂર્ણ વ્યક્તિઓમાંના એક છે. તેઓ માત્ર જન્મ જ આપતા નથી, પણ આપણા સમગ્ર જીવનના માર્ગદર્શક, સંસ્કાર આપનાર અને પ્રેમનો અખૂટ સ્ત્રોત છે. માતા-પિતા એ આ જગતમાં આપણા માટે ભગવાન સમાન છે. તેમના પ્રત્યે શ્રદ્ધા, આદર અને સન્માન બતાવવું એ આપણી ફરજ છે. તેમનો આભાર માનવો અને તેમની સેવા કરવી એ તેમના પ્રત્યે નું આપણું ઋણ અદા કરવાનું એક માધ્યમ છે.શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડામાં તા.૧૦ ડીસેમ્બરના રોજ માતૃ- પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઋણ અદા કરવા માટે વિદ્યાર્થીમાં સંસ્કારનું સિંચન કરવા માતૃ-પિતૃ વંદનાની એક પહેલ કરી હતી. જેમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીના વાલીઓને પૂજન માટે આમંત્રિત કર્યા હતા .જેમાં બધા વાલીઓ ઉત્સાહ પૂર્વક આમંત્રણનો સ્વીકાર કરી પધાર્યા હતા. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત માતાઓ અને પિતાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીની બહેનો ગોંડલિયા સાધના, સાંડસૂર હેતલ,ભુવા નયના દ્વારા સંગીતના સૂરે માતૃ-પિતૃ વંદનાના પ્રેરણા ગીતો અને પ્રાર્થના વગેરે રજુ કરવામાં આવ્યા હતાં. અને આ કાર્યક્રમને સુંદર બનાવ્યો હતો. સાથે જ આ કાર્યક્રમના મુખ્ય પ્રેરક પ્રહલાદભાઇ ચૌહાણે પ્રાસંગિક અને સ્વાગત ઉદ્દ્બોધન સાથે આ પ્રસંગે જણાવ્યું હતું કે માતા-પિતા એ જીવનના પાયાના પથ્થર છે, તેમના માર્ગદર્શન અને ત્યાગ દ્વારા આપણું જીવન સુખી અને સફળ બને છે તેમને શ્રદ્ધા અને આદર આપવું એ આપણો પ્રથમ અને સર્વોચ્ચ કર્તવ્ય છે તેવો સંદેશો બાળકો અને આજની યુવાપેઢીને આપવામાં આવ્યો હતો. ભરતભાઇ ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ દવે ઉમંગ,ત્રિવેદી વેદાંતે શાસ્ત્રોકત મંત્રોચ્ચારના ધ્વનિમાં બાળકોએ શાળામાં પધારેલ વાલીશ્રીઓનું કુમકુમ તિલક, ફૂલ , અક્ષત દ્વારા પૂજન કરી અને મીઠાઈ અર્પણ કરી હતી, ત્યારે શાળાનું વાતાવરણ લાગણીશીલ તેમજ ભાવવિભોર થઇ ગયેલ હતું. “માતા પિતાની તેમના બાળકો સાથેની એક યાદગાર ક્ષણ.”સાથે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ સંસ્કાર, સમર્પણ, કરુણા અને સંવેદનાનો સેતુ બન્યો હતો. ત્યારબાદ શાળાના સારસ્વતશ્રીઓમાં નીતાબેન ભટ્ટ, આચાર્ય સંજયભાઇ ચૌહાણે માતૃ પિતૃ વંદનાના કાર્યક્રમ અંતર્ગત પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળા સંચાલક મનજીબાપા ઉપસ્થિત રહીને બાળકોને આશીર્વાદ આપ્યા હતા. સરવૈયા કિંજલ તેમજ બાવળિયા અસ્માબેને પોતાની ઉર્મિઓ રજુ કરી હતી. સહુ ગુરૂજનોના માર્ગદર્શન હેઠળ ખૂબ જ ભાવસભર અને સંસ્કારમય માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ સહિત તમામના મનમાં માતા-પિતાના પરિશ્રમ અને ત્યાગ માટે ભાવ જગાવવાનો હતો. બાળકોને માતા-પિતાનું મહત્વ સમજાવવામાં આવ્યું અને શિક્ષક ભાઇ બહેનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી વિદ્યાર્થીઓમાં કૃતજ્ઞતાનો ભાવ જગાવી તેમના દ્વારા માતાનું પૂજન કરાવવામાં આવ્યું હતું. આવાં કાર્યક્રમો દ્વારા આપણી સંસ્કૃતિના મૂલ્યો નવી પેઢીને મળતા રહે અને “સંસ્કાર એજ સાચી શિક્ષા” નો સંદેશ દરેક હ્રદય સુધી પહોંચે એજ શાળાનો મહાન પ્રયાસ છે. સાથે આ કાર્યક્રમમાં શાળાના ભૂતપુર્વ વિધાર્થીઓનું સંગઠન શ્રી કર્મયોગ ગ્રુપ દ્વારા આર્થિક પછાત ૩૦ વિધાર્થી ભાઇ બહેનોને શૈક્ષણિક સહાય માટે રૂ.૩૩૦૦૦ સ્કોલરશીપની સહાય તેમજ સ્કૂલકીટ અર્પણ કરવામાં આવી હતી. ટ્રસ્ટી અરવિંદભાઇ તળાવિયાએ વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું તેમજ કાર્યક્રમમાં ભાગ લેનાર સહુને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. શાળા મંડળના મંત્રી કાંતિભાઇ પાંચાણીએ તેમનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા એ સ્નેહ, ત્યાગ અને આત્મીયતાના મૂર્તિરૂપ છે. એમના આશીર્વાદ અને માર્ગદર્શનથી બાળકોના જીવનમાં સંગઠન, સાંસ્કૃતિક મૂલ્યો અને જીવનમાં સંસ્કારોનો અમૂલ્ય ભંડાર મળે છે. આટલા મહત્વના જીવનદાતા પ્રત્યે સન્માન, શ્રદ્ધા અને કૃતજ્ઞતાની ભાવનાને ઉજાગર કરવા માટે શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડાના બાળકો દ્વારા માતૃ-પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. માતૃ પિતૃ વંદના કાર્યક્રમ અંતર્ગત માતા-પિતાનું પૂજન અને ચરણ સ્પર્શ કરીને તેમનું પુષ્પમાળા દ્વારા સન્માન કરીને તેઓ પ્રત્યે કૃતજ્ઞતા અને સન્માનની ભાવના વ્યક્ત કરીહતી.
આ પાવન પ્રસંગે ટ્રસ્ટીશ્રીઓ, ગુરુજનો, દાતાગણ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમ હ્રદય સ્પર્શી અને સંસ્કાર સભર રહ્યો. આ ભવ્ય કાર્યક્રમ દ્વારા સંસ્કાર અને સમર્પણની ભાવના વધુ પ્રબળ થઈ અને આંખો હર્ષોલ્લાસથી છલકાઈ.
અંતમાં શાળાના શિક્ષક સંજયભાઇ વિસાણીએ આભાર વિધિ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન રોહીતભાઇ ઓઝાએ કર્યું હતું. ચારિત્ર્ય અને સંસ્કાર નિર્માણના સંકલ્પ સાથે ૩૦૦ છાત્રોએ તેમના માતા પિતાનું પૂજન કર્યું હતું. મયુરભાઇ ચૌહાણ, જીતુભાઇ તળાવિયા ,જગજીવનભાઇ ગજેરા, પ્રવિણભાઇ ઝીંઝુવાડી સહુએ આ રીતે ખૂબ સુંદર,સંસ્કાર અને લાગણી સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં સારી મહેનત કરી હતી.


















Recent Comments