અમરેલી

રાજ્યમંત્રીકૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને બગસરા નગર સેવા સદન ખાતે અંદાજે કુલ રૂ.૨૩ કરોડના વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો

આજરોજ બગસરા નગર સેવા સદન ખાતે રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી અને અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અંદાજે કુલ રૂ. ૨૩ કરોડના વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.

બગસરા મુકામે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાનો રોડ શો યોજાયો હતો. જેમાં શહેરીજનોએ રાજ્યમંત્રીશ્રીને ઉમળકાભેર આવકારી ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, બગસરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ભૂગર્ભ ગટર, આર.સી.સી રોડ, વિવિધ સોસાયટીમાં સી.સી રોડ, વોટર સપ્લાય, સ્ટ્રીટલાઇટ સહિતના અંદાજે રુ. ૧૬ કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ શહેરીજનોને મળતા જનસુખાકારીમાં વધારો થશે.

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ બગસરા શહેરના વિવિધ વિસ્તારમાં સી.સી. રોડ તેમજ પ્રોટેક્શન વોલની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અંદાજે રૂ. ૭ કરોડના ખર્ચે આ વિકાસકાર્યો તેજ ગતિથી પૂર્ણ કરવામાં આવશે. વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા, લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

બગસરા નગર સેવા સદન ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ સંબોધન કરતા જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં સતત અને અવિરત વિકાસકામો તેજ ગતિથી આગળ ધપી રહ્યા છે. “સતત અને અવિરત વિકાસ” રાજ્ય સરકારનું એકમાત્ર લક્ષ્યાંક છે. જિલ્લામાં નેશનલ હાઈવે સહિતના વિકાસકામો પ્રગતિ હેઠળ છે. તેમણે ઉમેર્યું કે, અમરેલી બાયપાસ રોડનો ૪૦ વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો છે. સરકાર દ્વારા તે માટે અંદાજે કુલ રૂ. ૨૭૨ કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ કામ પણ તેજ ગતિથી આગળ ધપશે. કાર્યક્રમ દરમિયાન બગસરા શહેરની વિવિધ સંસ્થાઓ, સંગઠનો, મંડળો દ્વારા રાજ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.                                       

ઉલ્લેખનીય છે કે, બગસરા નગરપાલિકામાં છેલ્લા અઢી વર્ષમાં અંદાજે રૂ. ૬૦ કરોડના વિકાસકામો પૂર્ણ કરવામાં આવ્યા છે. રાજ્યમંત્રીશ્રીએ અનેરું સ્વાગત કરવા બદલ બગસરા શહેરીજનોનો આભાર વ્યક્ત કરવાની સાથે ઋણ સ્વીકાર કર્યો હતો. બગસરા નગર સેવા સદન પ્રમુખ શ્રી જ્યોત્સનાબેન રીબડિયાએ છેલ્લા અઢી વર્ષના શાસનનો ક્રમશ ચિતાર રજૂ કરવાની સાથે રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

બગસરા નગર સેવા સદન ખાતે વિવિધ વિકાસકામોના લોકર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે રાજસ્વી મહાનુભાવો, નગરપાલિકા પ્રમુખ શ્રી જ્યોત્સનાબેન રીબડિયા, શ્રી એ.વી.રીબડિયા, ઉપપ્રમુખ શ્રી ભાનુબેન સોનગરા, કારોબારી સમિતિ ચેરપર્સન શ્રી મંજુલાબેન મેર, નગર સેવા સદન સભ્યશ્રીઓ, બગસરા પ્રાંત અધિકારી શ્રી નંદા, મામલતદારશ્રી, ચીફ ઓફિસર શ્રી દિલીપ હુણ, સ્થાનિક પદાધિકારીશ્રીઓ, વિવિધ સંસ્થાઓ, સંગઠનોના હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts