અમરેલી

સાવરકુંડલામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના યજમાનપદે ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૫મું જ્ઞાન સત્ર ભવ્યાતિભવ્ય રીતે આરંભાયું

ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૫મું જ્ઞાન સત્ર આજથી ત્રણ દિવસ માટે સાવરકુંડલા ખાતે ભવ્ય અને ઉત્સાહભર્યા માહોલમાં શરૂ થયું છે. પ્રથમ દિવસે શુક્રવાર, તા. ૧૯ ડિસેમ્બરે યોજાયેલા ઉદ્ઘાટન સત્રમાં વિશ્વવંદનીય પરમ પૂજ્ય રામકથાકાર મોરારીબાપુ આશીર્વાદ આપવા પધાર્યા હતા.

પૂજ્ય મોરારીબાપુએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે, “જ્ઞાન સત્રની આયોજક સંસ્થા વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાથે હું તેના પ્રારંભકાળથી જ જોડાયેલો છું. હવે તો તમે મને બોલાવો એ એક પરંપરા બની ગઈ છે. તમે બોલાવો અને હું આવી પહોંચું છું—પરંતુ આજે ખાસ ઉમેરવું છે કે તમે મને નહીં બોલાવો તો પણ હું જરૂર આવીશ.”

આ સાથે તેમણે અત્યંત વિનમ્રતા સાથે જણાવ્યું કે તેઓ શ્રોતા તરીકે હાજર રહેવા ઇચ્છે છે અને મંચ પર વિશેષ સ્થાન લેતાં સંકોચ અનુભવતા હોવાનું જણાવ્યું. “મારું સ્થાન અલગ ન રાખતા, સૌ મહેમાનો વચ્ચે જ બેસવા દેજો—આ મારી નમ્ર વિનંતી છે,” તેમ બાપુએ ભાવસભર શબ્દોમાં કહ્યું.

વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશ મહેતાએ જણાવ્યું કે, માંદગીના સંજોગોમાં ભલે યાદ કરજો, પણ અહીં સુધી આવ્યા છો તો અમારા ‘લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર’ની મુલાકાત અવશ્ય લેશો. આમ જણાવી તેમણે વિદ્યાગુરુ ફાઉન્ડેશનની વિવિધ પ્રવૃતિઓ વિષે જાણકારી આપી હતી.ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી સમીર ભટ્ટએ જણાવ્યું કે મારી જનમભોમકામાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એ રીતે હું સક્રિય થઈ શક્યો એનો આનંદ છે.

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદીએ અધ્યક્ષીય વક્તવ્ય આપ્યું હતું. લગભગ ચાલીસ મિનિટ ચાલેલા તેમના વક્તવ્યની ખૂબી એ હતી કે પૂજ્ય મોરારિ બાપુએ તેમની દરેક વાત મનનીય ચિત્તે સાંભળી હતી.   ઉદ્ઘાટન બેઠકનું સંચાલન કવિ પ્રણવ પંડ્યાએ કર્યું હતું.  

ઉદ્ઘાટન સત્ર પછી જ્ઞાન સત્રની પ્રથમ બેઠક નિબંધ સ્વરૂપ માટે યોજાઇ હતી.  

બેઠકના અધ્યક્ષ આપણી ભાષાના જાણીતા નિબંધકાર અને ચિત્રકાર પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત શ્રી ગુલામ મહંમદ શેખ તેમની નાદુરસ્ત તબિયતને કારણે આવી ન શક્યા તેમનું વક્તવ્ય શ્રી ડંકેશભાઈ ઓઝા એ બેઠકના અંતે સૌને વાંચી સંભળાવ્યું.  

નિબંધ વિશેની બીજી બેઠકમાં ત્રણ વક્તાઓ હતા.  ડોક્ટર ભારતી રાણે, મહેન્દ્રસિંહ પરમાર અને મયુર ખાવડુ. બેઠકનું સંચાલન પ્રાધ્યાપક સંધ્યાબેન ભટ્ટે કર્યું.  

ભારતીબેન રાણેએ તેમના નિબંધ લેખન માટે તેમની પ્રવાસની અને વાંચનની આદતને, ટેવને એક મુખ્ય પરિબળ ગણાવી હતી. 

ભારતીબેને જણાવ્યું કે અમને પતિ પત્નીને અમારા વ્યવસાયી કામકાજ ઉપરાંત હરવા ફરવાનો, પ્રવાસ કરવાનો એટલો શોખ હતો કે અમે અમારું પોતાનું કહી શકાય એવું ઘર ઠેઠ 70 વર્ષની ઉંમરે બનાવ્યું.  ત્યાં સુધી અમે અમારી પાસે પોતાનું ઘર નથી એવી કોઈ ફિકર જ ન કરી.  પ્રવાસના શોખને કારણે અને એ શોખને ગુજરાતી શબ્દો મળવાને કારણે અમને વાચકોએ જે પોંખ્યા છે એનો તો કોઈ હિસાબ નથી . પ્રાધ્યાપક મહેન્દ્રસિંહ પરમારએ નિબંધ લેખનના તેમના અનુભવો અને એ નિબંધ ના પુસ્તક પ્રકાશનની વાતો જણાવી હતી.  

યુવા નિબંધકાર અને વાર્તાકાર, ખૂબ વાંચનાર મયુરભાઈ ખાવડુએ નિબંધ લેખનમાં એમને એમના પૂર્વસૂરિયોનો કેવો અનુભવ સમૃદ્ધ લાભ મળ્યો એ વિગતો કહી હતી. 

જ્ઞાન ક્ષેત્રની બીજી બેઠક સર્જક વિશેષ સંદર્ભે હતી. આ બેઠકમાં રઘુવીરભાઈ ચૌધરી તેના અધ્યક્ષ સ્થાને હતા. 

બેઠકના ચાર વક્તાઓમાં ઉદયન ઠક્કરે દિલીપ ઝવેરી વિશે, મીનળબેન દવેએ નવલકથાકાર વાર્તાકાર વિનય અંતાણી વિશે, બકુલ ટેલરે નાટ્યકાર સૌમ્ય જોશી વિશે તેમના લેખન કર્મને કેન્દ્રમાં રાખી અનુભવ સમૃદ્ધ વાતો કરી હતી.

Related Posts