બીજા દિવસની પહેલી બેઠક જનવાદી કવિતા વિષે હતી. ગુજરાત સરકારના નિવૃત્ત સચિવ વસંતભાઈ ગઢવીના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી. તેમણે આ પ્રકારના અભ્યાસો કેમ જરૂરી છે તે વિગતવાર સમજાવ્યું હતું. માલચંદ તિવારી વિજયદાન દેથાના પ્રદાન વિશે વાત કરવા કાર્યક્રમમાં પહોંચી શક્યા નહોતા. તેમના વતી વિજયદાન દેથાના પ્રદાન વિશેની વાત વસંતભાઈ ગઢવીએ તેમના વક્તવ્યમાં ઉમેરી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના ગુજરાતી વિષયના વિભાગીય અધ્યક્ષ ડૉ. રાજેશ પંડ્યાએ ઝવેરચંદ મેઘાણીના સમગ્ર સાહિત્ય વિશે વિષદ છણાવટ કરી હતી. બંગાળના કવિ અને બાંગ્લાદેશ રાષ્ટ્રનું નિર્માણ થવા સાથે રાષ્ટ્રકવિનું બિરૂદ પામેલા નઝરુલ ઇસ્લામ વિશે કર્મશીલ રિમ્મી વાઘેલાએ ઉદાહરણો સહિત વાત કરી હતી. પરિષદના કાર્યક્રમ આયોજનની રૂએ રિમ્મીબહેન નવા વક્તા હતા. શ્રોતાઓને તેમનો પરિચય બેઠકના સંકલનકાર ભરત મહેતાએ આપ્યો હતો. પરિચયમાં એમણે એ પણ ઉમેર્યું કે, રિમ્મી વાઘેલાના શબ્દો આપને પસંદ પડશે જ. જો એમનું વક્તવ્ય ના ગમે તો એ જવાબદારી મારી. કહેતાં હર્ષ થાય છે કે ભરતભાઈએ આવી કોઈ જવાબદારી લેવાનો વખત નહોતો આવ્યો અને ભાષણના અંતે શ્રોતાઓએ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
બીજી બેઠક સર્જન, ભાવન અને અનુવાદકર્મ વિશે હતી. આપણી ભાષામાં અન્ય ભાષાની બળકટ કૃતિઓ અનુવાદના માધ્યમથી વાચકોને ઉપલબ્ધ કરાવનાર બે અનુવાદકો શરીફાબહેન વીજળીવાળા અને સંજય ભાવેએ તેમના વિવિધ અનુભવો વર્ણવ્યા હતા. તેમની સાથે વાતચીતનો, પ્રશ્નોત્તરીનો દોર બિન્દુબહેન ભટ્ટે સંભાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે વાતચીત કરનાર ત્રણેય ભાષા પ્રાધ્યાપકો રહ્યા છે. શરીફાબહેન ગુજરાતીના, સંજયભાઈ અંગ્રેજીના અને બિન્દુબહેન હિન્દી ભાષાના પ્રોફેસર.
પાંચમી બેઠક સાહિત્યના સરવૈયા વિશે હતી. ગુજરાતી ભાષાના નિવૃત્ત પ્રાધ્યાપક રમણભાઈ સોનીએ અધ્યક્ષીય ભૂમિકા ભજવી હતી. દીપક રાવલે કવિતા કર્મ, પ્રોફેસર રાઘવ ભરવાડે ટુંકી વાર્તા ક્ષેત્રે થયેલા પ્રદાન વિશે, પ્રોફેસર ચાર્વી ભટ્ટે નવલકથા ક્ષેત્રે થયેલા સર્જન ક્ષેત્રની વાત કરી હતી. કિશન પટેલે નિબંધ ક્ષેત્રે થયેલા પ્રદાનની વિશદ છણાવટ કરતા નિબંધકાર જનક ત્રિવેદીના પ્રદાનને યાદ કર્યું હતું. સદગત જનક ત્રિવેદીની પરંપરાનું વહન કરતા તેમના પુત્ર અને ખુદ વાર્તાકાર એવા ધર્મેન્દ્ર ત્રિવેદી દ્વારા આ ક્ષેત્રે નવા લોકોનું આગમન થાય એ માટે થઈ રહેલી સ્પર્ધા આયોજનની વાતને પ્રમાણી હતી. રૂપાબહેન શેઠે સંકલનકારની ભૂમિકામાં આ બેઠકનું સંચાલન કર્યું હતું.
બીજા દિવસની છઠ્ઠી અને છેલ્લી બેઠક સાહિત્યના સરવૈયા વિષયે તેનો બીજો ભાગ આવરી લેતા થઈ હતી. પિનાકિની પંડ્યાએ વિવેચન, શક્તિસિંહ પરમારે ચરિત્ર લેખન, હિતેશ પંડ્યાએ સંપાદન કળા, મનહરભાઈ શુક્લએ બાળસાહિત્ય અને રમણીક અગ્રાવતે અનુવાદ કર્મની વર્ષ દરમિયાન થયેલી બાબતોની છણાવટ કરી હતી. આ બેઠકનું સંકલન પ્રાધ્યાપક, લેખક સંજયભાઈ ચૌધરીએ કર્યું હતું.
બીજા દિવસની રાત્રિએ મુંબઈથી પધારેલા અભિનેતા ઉત્કર્ષ મજમુદાર અને અમદાવાદના હેતલ મોદીએ જૂની રંગભૂમિના ગીતો પ્રસ્તુત કરી શ્રોતાઓને રીતસર ડોલાવ્યા હતા.અને આજે ત્રીજા દિવસે જ્ઞાનસત્રનો સમાપન તરફનો દોરમાં સામાન્ય સભા મિટિંગ અને આભાર પ્રસ્તાવ સાથે સમગ્ર જ્ઞાનસત્રનું સમાપન કરવામાં આવેલ. આ પ્રસંગે ડો. પ્રકાશ કટારીયા તથા રવિયા સાહેબ દ્વારા ભાવસભર ગીત સાથે ફરી પાછા આવજો એવી ભાવના સાથે અતિથિઓને ભાવભરી વિદાય આપવામાં આવી


















Recent Comments