અમરેલી જિલ્લામાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અંતર્ગત ‘સશક્ત નારી મેળો’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો પ્રારંભ ઉર્જા, કાયદો અને ન્યાય, સંસદીય અને વૈધાનિક બાબતોના રાજ્યમંત્રીશ્રી, કૌશિકભાઈ વેકરીયા દ્વારા કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ પહેલને વધુ વેગ આપવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ‘સશક્ત નારી મેળા’નું આયોજન કરી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ મેળાના માધ્યમથી સ્વસહાય જૂથોની મહિલાઓને ઘરબેઠા પોતાની બનાવટોની માર્કેટિંગ અને વેચાણ માટે સુવ્યવસ્થિત પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રાજ્ય સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને રોજગારીના અવસરો ઊભા કરવા સંપૂર્ણ રીતે કટીબદ્ધ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વોકલ ફોર લોકલ’નો નારો આપીને દેશભરમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપ્યું છે. તેની અસર રૂપે ‘મન કી બાત’ કાર્યક્રમમાં જાફરાબાદના બાબરકોટના ઉચ્ચ કોટીના બાજરાનો ઉલ્લેખ થયા બાદ તેનું વેચાણ નોંધપાત્ર રીતે વધ્યું છે અને સતત માંગના કારણે તેની અછત પણ જોવા મળે છે.
આ રીતે સ્વદેશી અને રોજગારના સુમેળથી આયોજિત ‘સશક્ત નારી મેળો’ મહિલાઓને તેમની બનાવટોના વેચાણ માટે મજબૂત અને વિશ્વસનીય પ્લેટફોર્મ પૂરું પાડશે તેમજ મહિલાઓના આર્થિક સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ મેળો અમરેલી શહેરની નૂતન હાઇસ્કૂલના મેદાનમાં ૨૦-૨૨ ડિસેમ્બર સુધી યોજાશે. મેળાના પ્રારંભે અગ્રણીશ્રી, અતુલભાઈ કાનાણીએ મહિલા સશક્તિકરણ, સ્વદેશી અભિયાન અને રોજગારીની વિપૂલ તકો વિશે પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યુ હતું.
મેળામાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિવિધ ક્ષેત્રનાં મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મેળામાં સ્વ સહાય જૂથના મહિલાઓ તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ૧૦૦ જેટલા સ્ટોલ પ્રદર્શન અને વેચાણ અર્થે રાખવામાં આવ્યા છે. આ મેળાનો લાભ લેવા અમરેલીના નાગરિકોને રાજ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, લાઠી-બાબરા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જનકભઈ તળાવિયા, જિલ્લા પંચાયતના સભ્યશ્રી કંચનબેન ડેર, શ્રી વિપૂલભાઈ દૂધાત, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પરીમલ પંડયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી અર્પણ ચાવડા, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના અધિકારીશ્રી છાયાબેન ટાંક, અગ્રણીશ્રી મેહુલભાઈ ધોરાજીયા, શ્રી વિજયભાઈ ચોટલીયા, શ્રી જીતુભાઈ ડેર, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ, સ્વ-સહાય જૂથનાં મહિલાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments