અમરેલી

શ્રી પી.પી.એસ.હાઈસ્કૂલ વંડા ખાતે “રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન” ની ઉજવણી કરાઇ

સમગ્ર ભારતમાં ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાતો અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૨૪ ડિસેમ્બરના રોજ “રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર” દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે વિવિધ જગ્યાએ ગ્રાહક જાગૃતિ અંગે ના સેમિનાર યોજીને ગ્રાહકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે તે અંતર્ગત તા.૨૪ ડીસે.ના રોજ સા.કુંડલા તાલુકા ની શ્રી પી.પી.એસ.હાઈસ્કૂલ વંડા માં ચિત્રો, રંગ પુરણી, નિબંધ તેમજ વકતૃત્વ સ્પર્ધા યોજી રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત શાળાના ગ્રાહક સુરક્ષા કલબના સંચાલક શ્રી પ્રવીણભાઇ ઝીંઝુવાડીયા એ આ દિન વિશે વિશેષ વિદ્યાર્થીઓને માહિતી આપતા જણાવ્યું હતું કે માણસ જન્મતા સાથે જ એક ગ્રાહક બની જાય છે. રોજ સવાર પડતાની સાથે આપણે આપણા ઉપયોગ માટેની વસ્તુઓની ખરીદી કરીએ છીએ, ત્યારે કેટલીક વખતે છેતરપિંડીનો ભોગ પણ બનીએ છીએ. આથી વિકસિત બજારો ના નિર્માણમાં એક જાગૃત ગ્રાહક ની ભૂમિકા ઘણી અગત્યની છે. શાળાની વિધાર્થીની બહેનોમાં બાવળિયા અસ્મા, વઘાસિયા પ્રિયાંશી, સોલંકી ખુશી, સરવૈયા ક્રિષ્ના એ ગ્રાહકોના અધિકારો વિશે વિવિધ માહિતી આપી હતી.ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ “જાગો ગ્રાહક જાગો” પણ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલના ભાગરૂપે સરકારે ગ્રાહકલક્ષી માહિતી અને શિક્ષણ માટે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક મીડિયા માં જાહેરાતો, ઑડિયો ઝુંબેશ અને વિડિયો ઝુંબેશ દ્વારા ગ્રાહક જાગૃતિ લાવવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે. ૨૪ ડિસેમ્બર,૧૯૮૬ના રોજ “ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૧૯૮૬” (Consumer Protection Act, 1986) બિલ પસાર થયું હતું. સૌપ્રથમ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ વર્ષ ૨૦૦૦ માં મનાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષક શ્રી પ્રહલાદભાઈ ચૌહાણે વિધાર્થીઓને ઉદેશીને જણાવ્યુ હતુ કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ નો ઉદ્દેશ ગ્રાહકોને વિવિધ પ્રકારના શોષણ જેવા કે ખામીયુક્ત માલ, સેવાઓમાં ઉણપ અને અયોગ્ય વેપાર વ્યવહાર સામે અસરકારક રીતે રક્ષણ પૂરું પાડવાનો છે. ગ્રાહક સુરક્ષા કાયદો ગ્રાહકોને તેમના અધિકારો આપવા માટે લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ હવે કોઈપણ ગ્રાહક અયોગ્ય વ્યાપારની ફરિયાદ કરી શકે છે. ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહકોને સંરક્ષણનો અધિકાર, માહિતીનો અધિકાર, પસંદ કરવાનો અધિકાર, નિવારણ નો અધિકાર, ગ્રાહક શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકારનો ઉપયોગ કરીને ગ્રાહકો કોઈપણ સમસ્યાનું સમાધાન મેળવી શકે છે ગ્રાહક તરીકે આપણી પણ ફરજ છે કે, દરેક ચીજ વસ્તુઓ ખરીદતી વખતે હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખીએ. ગ્રાહકો કાયદા જાણે અને પોતાના અધિકારો થી વાકેફ બને, તે આવશ્યક છે. કારણ કે ગ્રાહકો જાગૃત હશે તો જ તેઓ પોતાના રક્ષણ અર્થે આગળ આવી ફરિયાદ કરી શકે સાથે સાથે ‘જાગો ગ્રાહક જાગો નું સૂત્ર સંપૂર્ણપણે સાર્થક બનશે. ગ્રાહકો ગુજરાત રાજ્ય ગ્રાહક હેલ્પલાઇનનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૦૨૨૨ નો પણ જરૂર જણાયે ઉપયોગ કરી શકે છે. 
જન જાગૃતિ આ કાર્યક્રમની ઉત્સાહપૂર્ણ ઉજવણી દરમિયાન શાળાના સહુ શિક્ષક ભાઈ બહેનોએ સારી એવી જહેમત ઉઠાવી હતી. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts