અમરેલી

જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને અમરેલી ખાતે ફ્લેગશીપ ઇવેન્ટ-ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામ સંપન્ન

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની યાત્રા સફળતાપૂર્વક આગળ ધપી રહી છે. નવતર પહેલ સ્વરૂપે વિવિધ ઝોન મુજબ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે આગામી સમયમાં સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયોનલ કોન્ફરન્સ યોજાશે. આ અંતર્ગત રાજ્ય સરકારના કૃષિમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા ફ્લેગશીપ ઈવેન્ટ-ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લામાં ઉદ્યોગ, રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે એગ્રો અને ફૂડ, કેમિકલ, એન્જીનિયરીંગ, ટેક્સટાઇલ, પ્લાસ્ટિક અને પાવર સહિતના સેકટરમાં કુલ રૂ. ૯૦૮ કરોડથી વધુની રકમના ૩૧ એમ.ઓ.યુ (Memorandum Of Understanding) સાઈન અને એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. આ અન્વયે જિલ્લામાં રોજગારીના ૧૪૦૦થી વધુ નવા અવસરોનું સર્જન થશે, સાથે જિલ્લામાં ઓદ્યોગિક વિકાસના નવા અધ્યાયનો આરંભ થશે. 

કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે,એગ્રોથી પાવર સેક્ટર સુધી રૂ. ૯૦૮ કરોડથી વધુના રોકાણથી જિલ્લાનો ઓદ્યોગિક વિકાસ વેગવંતો બનશે. ગુજરાત સાથે વિશ્વના ઉદ્યોગ સાહસિકો કનેક્ટ થતા નોલેજ અને ટેક્નોલોજી શેરિંગના કારણે રાજ્ય ‘બિઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ’ તરીકે વિશ્વમાં ખ્યાતિ પામ્યું છે. આપણી વાઇબ્રન્ટ સમિટ ભારતના અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બની છે. રાજ્યમાં મજબૂત બિઝનેસ ઈકોસિસ્ટમ ડેવલપ થતા સર્વાંગી વિકાસના નવા આયામો સર થયા છે. નવ યુવાનો સ્ટાર્ટઅપ ક્ષેત્રે સાહસી બન્યા તે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાને આભારી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું દ્રષ્ટિવંત નેતૃત્વ અને “સકારાત્મક પહેલ, સકારાત્મક વિચારસરણી”ના કારણે ગુજરાત, વિકસિત ભારત@2047 ના સોનેરી સંકલ્પને મજબૂતી સાથે આગળ ધપાવી રહ્યું છે.

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, જિલ્લાને પોતાની જી.આઈ.ડી.સી મળે તે દિશામાં સકારાત્મક પ્રયત્નો શરૂ છે. જિલ્લો ઉદ્યોગ ક્ષેત્રે આગળ ધપે તે દિશામાં અમે સતત સક્રીય છે. તેમણે અમરેલી જિલ્લાને ડાયમંડ હબ બનાવવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું કે,આપણે પણ અહીં હીરાના કટિંગ અને પોલીશીંગ માટે નવી તકો શોધી શકીએ છીએ. વધુમાં ઉમેર્યું કે, જિલ્લામાં વિન્ડ સાથે સોલાર એનર્જી ક્ષેત્રે પણ પ્રગતિ શક્ય બને તે દિશામાં સક્રીયપણે આગળ ધપવું જરૂરી છે. રાજ્ય પણ આજે ગ્રીન એનર્જી ક્ષેત્રે સતત અગ્રેસર છે.

કાર્યક્રમ દરમિયાન અધિક ઉદ્યોગ કમિશ્નર શ્રી આર.એન. ડોડીયાએ ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’ સફળતાની ૨૫ વર્ષની યાત્રા અને ગુજરાત રાજ્યના વિવિધ અચિવમેન્ટ માઇલસ્ટોનનો શબ્દસહ ચિતાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આજે ગુજરાત ‘બેસ્ટ બિઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ’ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામ્યું છે. વર્ષ ૨૦૪૭માં ‘વિકસિત ભારત’ના નિર્માણમાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. ભારત આગામી સમયમાં ૫ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનવા તરફ તેજ ગતિએ આગળ ધપી રહ્યું છે.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, જિલ્લાના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા, શ્રી જનકભાઈ તળાવીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં VGRC (વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ) પર AV ફિલ્મની પ્રસ્તુતી કરવામાં આવી હતી. અમરેલીની શીતલ કુલ પ્રોડક્ટ લી. અને રોઝફિન્ચ ફાર્માસ્યુટિકલ પ્રા.લી. કંપનીના મેનેજિંગ ડિરેક્ટરશ્રીઓએ પોતાના મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગની સફળતાની યાત્રાની સફળગાથા પ્રસ્તુત કરી હતી.

ઉપરાંત આઈડિયાઝ ફોર વિકસિત ભારત@2047, MSME’s ઉદ્યોગ સાહસિકતા વિષય પર ક્ષેત્ર-વિશિષ્ટ સેમિનાર યોજાયો હતો. અમરેલી જિલ્લાના અગ્રણી ઉદ્યોગકારો અને નિષ્ણાતો વચ્ચે ઓપન હાઉસ ડિસ્કશન સત્ર પણ યોજવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, શ્રી ધારી કૃષિ ઉત્પાદક પ્રોસેસિંગ સહકારી મંડળી લી., અજવા સ્ટીલ એલ.એલ.પી એકમ, હોનેસ્ટ કોટસ્પીન પ્રા.લી., સ્કાયઓન ફૂડ્સ, કસ્વા ઇન્ડસ્ટ્રીઝ, પરફેક્ટ રોટો પોલીમર્સ, મોટા માણસા બ્લેકટ્રેપ બ્લોક-એ સહિતના ઓદ્યોગિક એકમોએ કાર્યક્રમમાં સહભાગી બનીને ફ્લેગશીપ ઈવેન્ટને સફળ બનાવી હતી. કાર્યક્રમ પ્રારંભે જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ સ્થળે બિઝનેસ ટુ બિઝનેસ જોડાણની તકો, નિષ્ણાતોના વ્યાખ્યાન અને ઉદ્યોગકારોનું પ્રદર્શન યોજાયું હતું. રાજ્ય સરકારની યોજનાઓ દ્વારા સહાયતા પ્રાપ્ત કરનારા ઉદ્યોગકારો-વેપારી એકમોને મહાનુભાવોના હસ્તે વિવિધ લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જનરલ મેનેજરશ્રી એસ.બી.ભાટીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

અમરેલી સ્થિત શ્રીમતી શાંતાબા ગજેરા ઓડિટોરીયમ હોલ ખાતે આયોજિત જિલ્લાની ફ્લેગશીપ ઈવેન્ટ-ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી બિપીનભાઈ લીંબાણી, અન્ય હોદ્દેદારો, અમર ડેરી ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલીયા, અધિક ઉદ્યોગ કમિશ્નર શ્રી આર.એન. ડોડીયા,  જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરીમલ પંડ્યા, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખશ્રી ભગીરથભાઈ ત્રિવેદી, વેપારી મહામંડળ, ડાયમંડ એસોસિએશન, લઘુ ઉદ્યોગ ભારતી, ઓઈલ મીલ એસોસિએશન પ્રમુખશ્રીઓ, શીતલ કુલ પ્રોડક્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભૂપતભાઈ ભુવા સહિતના પદાધિકારીઓશ્રીઓ,અધિકારીશ્રીઓ,બહોળી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts