અમરેલી

લાઠી તાલુકાના મહિલા ખેડૂતોએ મુંદ્રા-કચ્છ ખાતે ખારેક સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી

ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિષયક પાયાની જાણકારી અને માહિતી-માર્ગદર્શન પ્રાપ્ત થાય તે માટે આત્મા અમરેલી દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. ખેડૂતોને સતત માર્ગદર્શન મળે તે માટે સમયાંતરે પ્રાકૃતિક કૃષિ ફાર્મ મુલાકાત, જનજાગૃત્તિ શિબિર, વિવિધ સંસ્થાઓની મુલાકાતનું આયોજન હાથ ધરવામાં આવે છે.

આત્મા પ્રોજેક્ટ અમરેલી દ્વારા લાઠી તાલુકાના મહિલા ખેડૂતોને પ્રોત્સાહન મળે ઉપરાંત તેઓ પ્રાકૃતિક ખેત પધ્ધતિ અપનાવતા થાય તે માટે મહિલાઓને મુંદ્રા-કચ્છ ખાતે ખારેક સંશોધન કેન્દ્રની મુલાકાત કરાવવામાં આવી હતી. આ મુલાકાત રાજ્ય અંદર તાલીમનો ભાગ હતો. લાઠી તાલુકાની મહિલા ખેડૂતોએ ખારેકની ખેત પદ્ધતિ, પાકની સામાન્ય અને મહત્વની જરૂરીયાતો સહિતની બાબતે માહિતી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

ભારતનું પ્રથમ અને એકમાત્ર ખારેક સંશોધન કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લામાં મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામમાં આવેલ છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષ ૧૯૭૮માં આ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. જે કચ્છની ખારી જમીનમાં ઉત્તમ ગુણવત્તાની ખારેક (ખજૂર) ઉગાડવા, સંશોધન કરવા અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે કાર્યરત છે. 

Related Posts