અમરેલી

સાવરકુંડલા ખાતે નિશુલ્ક મનોચિકિત્સા નિદાન સારવાર કેમ્પ

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે અમેરિકાના સુપ્રસિદ્ધ મનોચિકિત્સક ડો. ભુપેન્દ્રભાઈ રાજપુરા દ્વારા નિશુલ્ક મનોચિકિત્સા નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તારીખ ૨૨-૧૨-૨૦૨૫ થી ૧૧-૧-૨૦૨૬ સુધી યોજાનાર છે.આ કેમ્પ દરમિયાન માનસિક તણાવ, ઉદાસીનતા, ચિંતા, ઊંઘની સમસ્યા સહિત વિવિધ માનસિક તકલીફોથી પીડાતા દર્દીઓને સંપૂર્ણ નિશુલ્ક નિદાન અને સારવાર આપવામાં આવી રહી છે. નોંધનીય બાબત એ છે કે અહીં દવાઓ પણ સંપૂર્ણ નિશુલ્ક આપવામાં આવે છે.

ડો. ભુપેન્દ્રભાઈ રાજપુરાનો સંક્ષિપ્ત પરિચય. ડો. રાજપુરા છેલ્લા ૪૦ વર્ષથી અમેરિકા ખાતે મનોચિકિત્સક તરીકે સેવા આપી રહ્યા છે. અમેરિકામાં તેમની એપોઇન્ટમેન્ટ મેળવવા માટે સામાન્ય રીતે ત્રણ-ત્રણ મહિના સુધી રાહ જોવી પડે છે. તેમ છતાં, પોતાના વતનપ્રેમ અને સેવાભાવના કારણે તેઓ છેલ્લા પાંચ વર્ષથી નિયમિત રીતે સાવરકુંડલામાં આવીને શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં નિશુલ્ક સેવા પ્રદાન કરી રહ્યા છે.

તેઓ દરરોજ સવારે ૯:૦૦ થી ૧:૦૦ અને બપોરે ૩:૦૦ થી ૬:૦૦ સુધી દર્દીઓને સમય આપી, દરેક દર્દીની સમસ્યાને ઝીણવટપૂર્વક સમજીને માનસિક રોગોનું યોગ્ય નિદાન તથા સારવાર કરે છે. *તેમના કાર્યશૈલીની મુખ્ય બાબતે એ છે કે તેઓ ન્યૂનતમ દવાઓનો ઉપયોગ કરીને દર્દીની સારવાર કરે છે* .સરળ વ્યક્તિત્વ, સેવાભાવી સ્વભાવ અને ગરીબ તથા જરૂરિયાતમંદ લોકો પ્રત્યેની લાગણી તેમને એક આદર્શ તબીબ તરીકે ઓળખાવે છે.

મૂળ સાવરકુંડલાના કે.કે. હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલા ડો. રાજપુરા આજે સાવરકુંડલા ઉપરાંત આસપાસના વિસ્તારોમાં રહેતા અનેક દર્દીઓ માટે આશાનું કિરણ બન્યા છે. તેમની સારવારથી અનેક દર્દીઓ માનસિક રીતે સ્વસ્થ થતાં જોવા મળે છે.. માનસિક સ્વાસ્થ્યની જરૂરિયાત.. આજની ભાગદોડભરી જીવનશૈલીમાં માનસિક સ્વાસ્થ્યની તંદુરસ્તી અત્યંત જરૂરી બની છે. દિનપ્રતિદિન માનસિક રોગીઓની સંખ્યા વધતી જતી હોય, એવા સમયમાં ડો. રાજપુરાની નિશુલ્ક સેવા ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તેઓ ખરા અર્થમાં એક કર્મયોગી તબીબ તરીકે સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં વિશાળ લોકપ્રિયતા ધરાવે છે.આ સેવાકીય કાર્ય બદલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સુપરિન્ટેન્ડન્ટ ડો. પ્રકાશ કટારીયા, સંસ્થાના પ્રમુખ હરેશભાઈ મહેતા, ટ્રસ્ટીગણ તથા સમગ્ર કર્મચારીવર્ગ દ્વારા ડો. રાજપુરાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

અંતમાં, શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા સાવરકુંડલા તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા અને માનસિક તકલીફોથી પીડાતા તમામ દર્દીઓને આ નિશુલ્ક મનોચિકિત્સા નિદાન સારવાર કેમ્પનો મહત્તમ લાભ લેવા જાહેર અપીલ કરવામાં આવે છે.

Related Posts