સંયુક્ત રાષ્ટ્ર સંઘના આજના વૈશ્વિક પ્રશ્નોનો ઉકેલ આપણી લોકશાળાએ ગઈકાલે આપેલ છે, તેમ આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા વાર્ષિકોત્સવમાં શિક્ષણવિદ્ શ્રી જયેન્દ્રસિંહ જાદવનું ઉદ્બોધન રહ્યું.
ગોહિલવાડનાં ગૌરવરૂપ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણારનો સંયુક્ત વાર્ષિકોત્સવ લેખક અને શિક્ષણવિદ્ શ્રી જયેન્દ્રસિંહ જાદવની ઉપસ્થિતિ સાથે યોજાઈ ગયો. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.
આંબલામાં આ વાર્ષિકોત્સવ પ્રસંગે શ્રી જયેન્દ્રસિંહ જાદવનું ઉદ્બોધન રહ્યું કે, આપણે ત્યાં શિક્ષિત થવાની ટકાવારી વધી ગઈ, પરંતુ મૂલ્યોની ટકાવારી ઘટી રહી છે, આ માટે શ્રી મનુદાદા (પંચોળી) દ્વારા શાંતિ અને સંસ્કારના શિક્ષણની વાત કરી કેળવણીનો આગ્રહ રાખેલો. શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી હરભાઈ ત્રિવેદી તથા શ્રી ગિજુભાઈ બધેકાનો સ્મરણ ઉલ્લેખ કરી આપણી સંસ્થાઓ એ ગુજરાત માટે ઉપકાર કર્યાનું જણાવી પોતે ગાંધીનગરથી અહીંયા કશુંક આપવા નહી, પામવા આવ્યાનું ભારપૂર્વક જણાવ્યું.
સંયુક્ત રાષ્ટ્ર સંઘના આજના વૈશ્વિક પ્રશ્નોનો ઉકેલ આપણા દાદાઓ દ્વારા આપણી લોકશાળાએ ગઈકાલે આપેલ છે, હવે તે વાત દુનિયામાં નવી લાગી રહેલ છે.
શ્લોક એ શાસ્ત્રમાં મહત્વના તેમ લોક એટલે સમાજમાં આચરણ વધુ મહત્વનું અને અનિવાર્ય છે, જે આપણે કરી શક્યા છીએ. તેઓએ શિષ્ટાચાર કરતાં સદાચાર વધુ મહત્વના હોવાની ટકોર કરી. તેમણે માતૃભાષા સાથે સતત શિક્ષણ દ્વારા થતાં લોકશિક્ષણનો ઉલ્લેખ કર્યો.
સંસ્થાના વડા લોક વૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેએ આવકાર સાથે પરિચય આપતાં શ્રી જયેન્દ્રસિંહ જાદવની ઉચ્ચ અધિકારી છતાં સાદગી અને વિચારોની રહેલી સ્પષ્ટતાનો અહોભાવ જણાવ્યો. ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા ૮૭ વર્ષથી મૂલ્ય સાથે ટકી રહ્યાનો અને તેમાં સત્વશીલ કાર્યકર્તાઓ મથતાં રહ્યાં તેનો હૃદયથી રાજીપો વ્યક્ત કર્યો.
ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા તથા મણારનાં વાર્ષિક પ્રવૃત્તિ અહેવાલોની પ્રસ્તુતિ આચાર્યો શ્રી વાઘજીભાઈ કરમટિયા અને શ્રી ડાયાભાઈ ડાંગર દ્વારા પ્રસ્તુત થઈ. આ અહેવાલમાં શૈક્ષણિક અને સામાજિક એવી અઢળક ઉપલબ્ધિઓનો સહર્ષ ઉલ્લેખ રહ્યો.
આભારવિધી સંસ્થાનાં નિયામક શ્રી મેહુલભાઈ ભટ્ટે કરી અને સંસ્થાના વિકાસપથમાં વધુ મંડ્યા રહેવા આગ્રહ રાખ્યો.
વાર્ષિકોત્સવ પ્રસંગે શ્રી ભરતભાઈ દવેના માર્ગદર્શનમાં વિદ્યાર્થી સંગીતવૃંદ દ્વારા શાંતિપાઠ અને ગીતગાન પ્રસ્તુત થયાં. સંચાલનમાં શ્રી કૈલાસબેન ઓળકિયા રહ્યાં હતાં.
સંસ્થાના પરિવારના શ્રી મહેન્દ્રસિંહ પરમાર, શ્રી સુરશંગભાઈ ચૌહાણ, શ્રી લાલજીભાઈ મકરાણી, શ્રી હસમુખભાઈ દેવમુરારિ, અગ્રણી શ્રી મેહુરભાઈ લવતુકા, શ્રી ફાઝલભાઈ ચૌહાણ અને કાર્યકર્તાઓ તથા વાલીઓ શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયાં હતાં.


















Recent Comments