અમરેલી

સાવરકુંડલાની કાણકિયા કોલેજ ખાતે નટવરભાઈ ગાંધીનું ‘સંવાદ-વક્તવ્ય’ યોજાયું

 મૂળ સાવરકુંડલાના હાલ અમેરિકા સ્થિત એવા પ્રખર વિચારક,કવિ-લેખક  નટવરભાઈ ગાંધીનું વક્તવ્ય યોજાયું. હાલ સાવરકુંડલા ખાતે ‘પર્વ પૂર્ણિમા’નો એક ભવ્ય કાર્યક્રમ યોજાઇ રહ્યો છે કે જેમાં  નટવરભાઈ ગાંધી મુખ્ય અતિથિ તરીકે આવેલ છે. અને તેમની આત્મકથા “એક અજાણ્યા ગાંધી – શ્રી નટવરભાઈ ગાંધી” પર જીલ્લા કક્ષાની નિબંધ સ્પર્ધાનું પરિણામ જાહેર કરી અને ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ આ ‘પર્વ પૂર્ણિમા’ નિમિત્તે યોજવાનો છે. તો સાવરકુંડલાના પનોતા પુત્ર એવા નટવરભાઈ ગાંધીએ આજે કાણકિયા કોલેજ ખાતે આર્ટસ કોમર્સના વિદ્યાર્થીઓ સાથે વક્તવ્ય સાથે સંવાદ કર્યો.

 સાવરકુંડલાથી મુંબઈ અને મુંબઈથી અમેરિકાની એમની જીવન યાત્રા કેટલી સંઘર્ષમય રહી અને વિદ્યાર્થીઓને તેમાંથી પ્રેરણા મળી શકે તેવું માર્ગદર્શન કર્યું અને ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી પણ કરી. વિદ્યાર્થીઓના પ્રશ્નોનું ખૂબ સુંદર રીતે સમજૂતી સાથે સંતોષકારક જવાબો આપ્યા હતા. તેમની સાથે સાથે એમના અનુજ દિલીપભાઈ ગાંધી, તેમના ભગીની અને અન્ય પરિવારજનોની પ્રેરક ઉપસ્થિતિ રહી.

આ તકે પ્રસિદ્ધ હાસ્ય લેખક અને ગુજરાતી સાહિત્યના રત્ન કહી શકાય એવા આદરણીય રતિલાલભાઈ બોરીસાગરની પણ વિશેષ ઉપસ્થિતિ રહી. તેમણે પણ વિનંતી ગ્રાહ્ય રાખીને વિદ્યાર્થીઓની સાથે હાસ્યરસની હળવાશભરી વાતો કરી હતી અને નટવરભાઈ ગાંધીને મળવાની આ તક એ વિદ્યાર્થીઓ માટે સુવર્ણ કહી શકાય તે બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો. નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટી  વિનુભાઈ રાવળ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન કોલેજના આચાર્ય શ્રી ડૉ. એસ.સી રવિયાસાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.

 ધડુક અર્ષિતાબેને એક સુંદર ગીત રજૂ કર્યું હતું અને જીલ્લા કક્ષાની નિબંધ સ્પર્ધાના પ્રથમ અને તૃતીય વિજેતાઓ ટાંક કૃપાલીબેન અને ચાંદૂ રિદ્ધિબેને પણ આ આત્મકથાના પુસ્તક વાંચન તથા નિબંધ લેખન બાદ ઘણી બધી પ્રેરણાઓ પોતાના જીવનમાં મળી તે અંગે નટવરભાઈ ગાંધીની હાજરીમાં જ ધન્યતા પોતાના શબ્દોમાં વ્યક્ત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના આધ્યાપકગણ, નોન ટીચિંગ સ્ટાફ વગેરે તમામ લોકોએ ખૂબ સારી જહેમત ઉઠાવી હતી.

Related Posts