અમરેલી જિલ્લાની અમરેલી થી લીલીયા વચ્ચે ચાલતી સ્ટેટ હાઈવે વાઈડિંગ તથા રોડ પહોળા કરવાની કામગીરીમાં ભારે ગેરરીતી, અત્યંત ધીમી ગતિ અને રોડ સેફટીના નિયમોના ખુલ્લેઆમ ભંગ થવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે તેમ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતે જણાવ્યું છે.તેમણે જણાવ્યું કે આ રોડનું કામ બે પેકેજમાં ચાલી રહ્યું છે. પેકેજ–૧ અંતર્ગત અમરેલી થી અંદાજે ૬ કિ.મી. લાલાવદર સુધીની કામગીરીને અઢી વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પૂર્ણ કરવામાં આવી નથી. રોડ પર અયોગ્ય રીતે રાખવામાં આવેલ ડ્રાયવજનના કારણે છેલ્લા લાંબા સમયથી લોકો ધૂળ, આરોગ્ય સમસ્યાઓ અને ભારે અસુવિધાનો સામનો કરી રહ્યા છે. રોડ સેફટીના કોઈ નિયમોનું પાલન થતું નથી.
તેમજ પેકેજ–૨ અંતર્ગત લાલાવદર થી લીલીયા સુધી બ્રિજ અને સી.સી. રોડની કામગીરી દરમિયાન પણ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓનો અભાવ જોવા મળે છે. જેના કારણે વાહનચાલકો, રાહદારીઓ તથા વિદ્યાર્થીઓ માટે ગંભીર જોખમ ઉભું થયું છે અને અકસ્માતો તેમજ મૃત્યુના બનાવો પણ સામે આવ્યા છે.શ્રી દુધાતે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે બંને પેકેજની કામગીરી સરકારશ્રીની ગાઈડલાઈન્સ અને નીતિ-નિયમો મુજબ થતી નથી. કામો નિર્ધારિત સમયમર્યાદા કરતાં ઘણો વધુ સમય વિત્યા છતાં અધૂરા છે, તેમ છતાં જવાબદાર એજન્સીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જે આશ્ચર્યજનક અને ચિંતાજનક બાબત છે.
આ બાબતે તેમણે માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ કરાવી જવાબદાર એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવા, રોડ સેફટીના નિયમો મુજબ ડ્રાયવજનનું સંચાલન કરવા અને કામો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરાવવાની માંગ કરી છે.
જો સરકારશ્રી દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો જનહિતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ શ્રી પ્રતાપ દુધાતે ઉચ્ચારી છે.


















Recent Comments