ગુજરાત

સુરત સમસ્ત વેકરીયા પરિવારનું ૧૨ મું સ્નેહમિલન, ઓર્ગન ડોનેટ રક્તદાન સંકલ્પ સહિત સામાજિક સંરચના માં આમૂલ પરિવર્તન નો સંદેશ

સુરત શહેર ખાતે તારીખ ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ સમસ્ત વેકરીયા પરિવારનું ૧૨ મું સ્નેહમિલન ભવ્ય અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયું. આ સ્નેહમિલનમાં રાજ્યના મંત્રી કૌશિકભાઇ વેકરીયા તથા અંજુબેન વેકરીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી ૭૫૦૦ થી વધુ પરિવારજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પરિવારની એકતા અને સંસ્કારની મિસાલ રજૂ કરી.

કાર્યક્રમમાં સમાજસેવાના ઉત્તમ ઉદાહરણરૂપે આઠ યુગલોના સમૂહ લગ્ન, બ્લડ ડોનેશન કેમ્પ, ઓર્ગન ડોનેશન સંકલ્પ, હેલ્થ ચેકઅપ કેમ્પ, બિઝનેસ એક્સ્પો, વિદ્યાર્થી સન્માન, વડીલ સન્માન તેમજ ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સૌ માટે રંગે ભોજનની સુંદર વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.

વિશેષ ઉલ્લેખનીય છે કે આ સ્નેહમિલન છેલ્લા ૧૨ વર્ષથી સતત અને અવિરત રીતે યોજાઈ રહ્યું છે. વેકરીયા પરિવારમાં પોલીસ અધિકારીઓ, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયરો, રાષ્ટ્રના સૈનિકો, રક્ષક દળના સભ્યો તેમજ જિલ્લા સ્તરથી લઈને રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરનાર મહાનુભાવોનો સમાવેશ થાય છે, જે સમાજ માટે ગૌરવની વાત છે.

સ્નેહમિલનનો મુખ્ય હેતુ સમગ્ર ગુજરાતમાંથી પરિવારજનોને એકત્ર લાવી એકબીજાના ધંધા, પરિવાર અને વ્યવહારોને નજીક લાવવાનો તેમજ સમાજ માટે ઉપયોગી કેવી રીતે બની શકાય તે અંગે માર્ગદર્શન આપવાનો રહ્યો. ખાસ કરીને બાળકોમાં સંસ્કાર, અભ્યાસપ્રવૃત્તિનો વિકાસ, સમાજસેવા અને રાષ્ટ્રસેવાના બીજનું રોપણ થાય તેવા ઉદ્દેશ સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું.

સમસ્ત વેકરીયા પરિવારના ૧૨ મા સ્નેહમિલનનું દીપપ્રાગટ્ય પરિવારના વડીલોના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિશ્વ શંખનાદ અભિયાનના પ્રણેતા પ્રકાશકુમાર વેકરીયા દ્વારા મહા શંખનાદ કરી ભારતીય સંસ્કૃતિ અનુસાર કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો.

આ પ્રસંગે અનેક દાતાઓએ દિલ ખોલીને લાખોની રકમ દાનમાં આપી, તેમજ આજીવન રક્તદાન, ઓર્ગન ડોનેશન અને સમાજહિતના કાર્યો માટે શપથ લેવાયા. સમૂહ લગ્ન પ્રસંગે વેકરીયા પરિવાર સિવાયના વર-વધૂના સગા-સંબંધીઓને પણ આત્મીયતા પૂર્વક આવકારવામાં આવ્યા.

સ્નેહમિલનમાં વર્ષો સુધી જમીનની નીચે રહી પાયાના પથ્થર સમાન કાર્ય કરનાર તમામ કાર્યકર્તાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ સામૂહિક ભોજનનો આનંદ માણ્યો અને અંતે ભવ્ય લોકડાયરાના આયોજનથી સમગ્ર માહોલ આનંદમય બની ગયો.

આ સ્નેહમિલનમાં જીવનજ્યોત બ્લડ બેંક દ્વારા ૧૫૧ યુનિટ રક્તસંગ્રહ કરવામાં આવ્યો, જે સમાજસેવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થયું.

Related Posts