અમરેલી

કરૂણા અભિયાન હેઠળ કુલ ૨૦ જેટલા કલેક્શન સેન્ટર અને સારવાર કેન્દ્રોની યાદી જાહેર કરવામાં આવી

સમગ્ર જિલ્લામાં તા. ૨૦ જાન્યુઆરી,૨૦૨૬ સુધી કરૂણા અભિયાન-૨૦૨૬નું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આ અભિયાન અન્વયે અબોલ પક્ષીઓનું રક્ષણ અને વિવિધ પ્રકારના પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓને તત્કાલ સારવાર મળે તે માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન નં. ૧૯૬૨, વન વિભાગ હેલ્પ લાઈન નં. ૧૯૨૬ તેમજ વ્હોટ્સએપ હેલ્પ લાઈન નં. ૮૩૨૦૦ ૦૨૦૦૦ જાહેર કરવામાં આવ્યો છે.

કરૂણા અભિયાન અન્વયે કુલ ૨૦ જેટલા કલેક્શન અને સારવાર કેન્દ્રોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ફોરેસ્ટ કલેક્શન સેન્ટરની યાદી મુજબ વન ચેતના કેન્દ્ર, અમરેલી, મુંજીયાસર ડેમ નર્સરી, બાબરા ફોરેસ્ટ કોલોની, કરિયાણા રોડ-બાબરા, બાબરા રામપરા નર્સરી, દામનગર નર્સરી, રેસીડેન્ટ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી-લાઠી, તુલસીશ્યામ રેંજ-ખાંભા ઉપરાંત સારવાર કેન્દ્રોની યાદી મુજબ ગીર પૂર્વ વન વિભાગ-વેકરીયાપરા ધારી,વન્યજીવ રેંજ લીલીયા, એનિમલ કેર સેન્ટર બાબરકોટ કેન્દ્રો ખાતે કલેક્શન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. 

સારવાર કેન્દ્ર પશુ ચિકિત્સાલયની યાદી મુજબ બાબરા, કુંકાવાવ, રાજુલા, લાઠી, દામનગર, અમરેલી અને બાબરા પશુ દવાખાના ખાતે સારવાર ઉપલબ્ધ રહેશે. ઉપરાંત વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા ખાતે એન.જી.ઓ દ્વારા કલેક્શન સેન્ટર કાર્યરત રહેશે.

સમગ્ર જીલ્લામાં યુવાઓ,નાગરિકોને નમ્ર અપીલ છે કે, પતંગ ઉડાડવા માટે પ્લાસ્ટીક કે, સીન્થેટીક તેમજ ચાઈનીઝ સહિતના દોરાનો ઉપયોગ ન કરીએ કે, તે પ્રકારના દોરાની ખરીદી પણ ન કરીએ, પક્ષીઓના વિહરવાના સમયે એટલે કે, સવારના ૭ થી ૯ વાગ્યા સુધી તેમજ સાંજે પક્ષીઓ માળામાં પરત ફરવાના સમયે સાંજના ૫ થી ૮ વાગ્યા સુધી પતંગો ઉડાડવા માટે સાવચેતી રાખીએ અથવા તો પતંગો ન ઉડાડવા અપીલ છે.

Related Posts