અમરેલી

ઓડિશા સરકારના ઉચ્ચ અધિકારીઓએ અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે પ્રાકૃતિક ખેતીના પ્રાયોગિક ફાર્મની મુલાકાત લીધી

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘એક્સપોઝર વિઝિટ પ્રોગ્રામ’ અંતર્ગત આજે ઓડિશા સરકારના ગ્રુપ-એ તથા ગ્રુપ-બીના ઉચ્ચ અધિકારીઓએ અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના પ્રાયોગિક ફાર્મની વિશેષ મુલાકાત લીધી હતી.

આ મુલાકાતનો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક અમલમાં રહેલી પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી તેને ઓડિશા રાજ્યમાં અમલી બનાવવાનો હતો.

આ દરમિયાન અધિકારીઓએ પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવામાં આવેલા શિયાળુ પાકો તેમજ વિવિધ શાકભાજીના પ્લોટોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિના તૈયાર થયેલા પાકોની ગુણવત્તા નિહાળી અધિકારીઓ વિશેષ પ્રભાવિત થયા હતા.

મુલાકાત દરમિયાન કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના આચાર્ય ડો.સ્વપ્નિલ દેશમુખ  દ્વારા ‘પ્રાકૃતિક કૃષિ પંચસ્તરીય બાગાયતી મોડેલ’ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ મોડેલ દ્વારા ઓછા વિસ્તારમાં વધુ ઉત્પાદન અને વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે અંગે અધિકારીઓને વિગતવાર સમજણ આપવામાં આવી હતી. તેમજ પ્રાકૃતિક કૃષિના મુખ્ય આયામો જેમ કે બીજામૃત, જીવામૃત તથા ઘનજીવામૃત, મિશ્રપાક પદ્ધતિ, આચ્છાદન અને વાપ્સા દ્વારા સફળ ખેતી કેવી રીતે શક્ય બને તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ફાર્મ ખાતે વિકસાવવામાં આવેલા લાલ વાલ, દેશી મકાઇ, જવ અને ઘઉં સાથે ચણાની મિશ્રપાક પદ્ધતિ તેમજ દેશી તુવેર, મરચાં, કોબી ફ્લાવર, બીટ, મૂળા, સૂર્યમુખી અને એરંડાના મિશ્રપાક મોડેલ દ્વારા અધિકારીઓએ પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કર્યો હતો.

કાર્યક્રમના અંતે કોલેજ તરફથી ફાર્મ પર તૈયાર થયેલ શણ, ઇક્કડ, ખરસાણી, મકાઇ અને લાલ જુવારના દેશી બિયારણની કીટ અધિકારીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી તેમજ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

Related Posts