ગુજરાત

મનરેગામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવું એ રાષ્ટ્રપિતાના વિચારો અને ગરીબોના અધિકારો પર ભાજપનો સીધો હુમલો છે: અમિત ચાવડા

“મનરેગા બચાવો આંદોલન” અંતર્ગત ૧૦ જાન્યુઆરીથી ૨૫ ફેબ્રુઆરી સુધી સમગ્ર ગુજરાતના દરેક ગામમાં ગ્રામસભાઓના માધ્યમથી વિરોધ ઠરાવો કરવામાં આવશે. તાલુકા અને જિલ્લા કક્ષાએ ધરણા, વિરોધ પ્રદર્શન, આવેદનપત્રો અને

“વિધાનસભા ઘેરાવો” કાર્યક્રમ પણ આક્રમક રીતે યોજાશે.

•             મનરેગામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવું એ રાષ્ટ્રપિતાના વિચારો અને ગરીબોના અધિકારો પર ભાજપનો સીધો હુમલો છે: શ્રી અમિત ચાવડા

•             ભાજપ સરકાર મનરેગાને ‘યોજના’માં ખપાવી ગરીબોનો કાયદાકીય હક છીનવવાનું પાપ બંધ કરે, કોંગ્રેસ ‘વિધાનસભા ઘેરાવો’ કરી જંગ છેડશે. : શ્રી અમિત ચાવડા

•             જો સુધારા જ કરવા હોય તો મજૂરોનું લઘુત્તમ વેતન વધારો, પંચાયતોના અધિકારો છીનવીને કેન્દ્રીયકરણ કરવાની મેલી મુરાદ છોડો: શ્રી અમિત ચાવડા

•             બજેટમાં ૯૦:૧૦ નો રેશિયો બદલી કેન્દ્રના ૬૦ રાજ્યના ૪૦ કરી કેન્દ્ર સરકાર ગરીબલક્ષી કાયદાનું ગળું ઘોંટવાનું અને રાજ્યો પર ભાર નાખવાનું કામ કરી રહી છે. : શ્રી અમિત ચાવડા

•             ૧૦ જાન્યુઆરીથી ૨૫ ફેબ્રુઆરી સુધી ‘મનરેગા બચાવો આંદોલન’ હેઠળ ગામડે-ગામડે વિરોધ ઠરાવ કરી ભાજપના નેતાઓની ‘ઉઘાડી લૂંટ’ ખુલ્લી પાડીશું. : શ્રી અમિત ચાવડા

                ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ ભારતની જનતાને અન્નનો અધિકાર, શિક્ષણનો અધિકાર, રોજગારનો અધિકાર, માહિતીનો અધિકાર જેવા ઐતિહાસિક અધિકારો આપીને જનતાને વધુ ને વધુ સ્વાયત્ત બનાવવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા બાદ આ તમામ અધિકારોને એક પછી એક છીનવવાનું કામ કરી રહી છે.

શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે મનરેગા એ કોંગ્રેસ સરકાર દ્વારા લાવવામાં આવેલ માંગ આધારિત અને કાનૂની અધિકાર આપતો ઐતિહાસિક કાયદો છે. આ કાયદા મુજબ જો કોઈ વ્યક્તિને રોજગારની જરૂર હોય તો તે પંચાયત કે સ્થાનિક સંસ્થામાં અરજી કરે અને ૧૫ દિવસની અંદર તેને રોજગાર આપવો ફરજિયાત છે. જો તંત્ર રોજગાર આપવા નિષ્ફળ જાય તો બેરોજગારી ભથ્થું ચૂકવવાની જોગવાઈ પણ કાયદામાં છે.

મનરેગાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી વધારવાનો, ગામડામાં માળખાગત સુવિધાઓ વિકસાવવાનો અને રોજગારી માટે શહેરો તરફ થતી દોડ અટકાવવાનો હતો. કયા વિકાસ કામ કરવા તે નક્કી કરવાનો અધિકાર ગ્રામસભા અને ગ્રામ પંચાયતોને આપવામાં આવ્યો હતો, જે પંચાયતી રાજ વ્યવસ્થાને મજબૂત બનાવતો ઐતિહાસિક નિર્ણય હતો.

શ્રી ચાવડાએ જણાવ્યું કે મનરેગામાં ૬૦ ટકા લેબર અને ૪૦ ટકા મટીરીયલનો રેશિયો રાખવામાં આવ્યો હતો, જેથી કોન્ટ્રાક્ટર રાજ ન વધે અને મજૂરોને વધારેમાં વધારે રોજગાર મળે. સાથે જ બજેટમાં ૯૦ ટકા હિસ્સો કેન્દ્ર સરકારનો અને ૧૦ ટકા હિસ્સો રાજ્ય સરકારનો રાખવામાં આવ્યો હતો, જેથી કોઈ રાજ્ય આર્થિક સ્થિતિના કારણે રોજગાર આપવાથી વંચિત ન રહે.

તેમણે યાદ અપાવ્યું કે કોરોનાના કપરા સમયમાં વર્ષ ૨૦૨૦–૨૧ દરમિયાન દેશભરમાં ૭૨ લાખ પરિવારોને મનરેગા હેઠળ ૧૦૦ દિવસની રોજગારી મળી હતી, જેના કારણે લાખો પરિવારોનું જીવન ટકી શક્યું. વર્લ્ડ બેંકે પણ મનરેગાને સમગ્ર વિશ્વનો સૌથી મોટો રોજગાર આપતો કાર્યક્રમ સ્વીકાર્યો છે. અભ્યાસો દર્શાવે છે કે મનરેગાના કારણે ગ્રામ્ય આવકમાં અંદાજે ૧૪ ટકા વધારો થયો અને લગભગ ૨૬ ટકા લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા.

શ્રી ચાવડાએ આક્ષેપ કર્યો કે ૨૦૧૪ પછી ભાજપ સરકારે મનરેગાને ધીમે ધીમે ડાયલ્યુટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. મહાત્મા ગાંધીજીનું નામ કાયદામાંથી હટાવીને ગાંધીજીના વિચારો અને રાષ્ટ્રપિતાનું અપમાન કરવામાં આવ્યું છે. સાથે જ ગ્રામસભા અને પંચાયતોના અધિકારો છીનવીને કામોની પસંદગી કેન્દ્રિયકરણ તરફ લઈ જવાઈ રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે મનરેગાના બજેટમાં ૯૦:૧૦ના રેશિયોને બદલીને ૬૦:૪૦ કરવાનો નિર્ણય લીધો છે, જે રાજ્યો પર ભારે આર્થિક ભાર નાખે છે. ઘણી રાજ્ય સરકારો આટલો ભાર સહન કરી શકશે નહીં અને પરિણામે ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોનો રોજગારનો અધિકાર છીનવાઈ જશે. ખેતી સીઝનના ૬૦ દિવસ દરમિયાન કામ ન આપવાની જોગવાઈ પણ કામદારો વિરોધી છે.

શ્રી ચાવડાએ જણાવ્યું કે સરકાર ૧૨૫ દિવસ રોજગારી આપવાની વાત કરે છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોના આંકડાઓ દર્શાવે છે કે હકીકતમાં સરેરાશ ફક્ત ૪૨ થી ૪૬ દિવસની જ રોજગારી આપવામાં આવી છે. એટલે કે સરકાર ૧૦૦ દિવસની રોજગારી આપવા પણ નિષ્ફળ રહી છે.

તેમણે સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ પાર્ટી મનરેગાના મૂળ સ્વરૂપને પુનઃસ્થાપિત કરવાની માંગ કરે છે. જો સુધારા કરવાના જ હોય તો મનરેગાના કામદારોના લઘુત્તમ વેતનમાં વધારો કરવો જોઈએ, અધિકારો છીનવવા નહીં.

શ્રી ચાવડાએ જાહેરાત કરી કે “મનરેગા બચાવો આંદોલન” અંતર્ગત ૧૦ જાન્યુઆરીથી ૨૫ ફેબ્રુઆરી સુધી સમગ્ર ગુજરાતના દરેક ગામમાં ગ્રામસભાઓના માધ્યમથી વિરોધ ઠરાવો કરવામાં આવશે. તાલુકા અને જિલ્લા કક્ષાએ ધરણા, વિરોધ પ્રદર્શન, આવેદનપત્રો આપવામાં આવશે અને વિધાનસભા ઘેરાવોનો કાર્યક્રમ પણ યોજાશે.

તેમણે ઉમેર્યું કે મનરેગામાં થયેલા ભ્રષ્ટાચાર, ભાજપના નેતાઓ અને મંત્રીઓના પરિવારજનો દ્વારા થયેલી લૂંટના પુરાવાઓ પણ આ સમયગાળા દરમિયાન જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે. ખાસ કરીને SC-ST-OBC સમાજ, મહિલાઓ અને ભૂમિહીન મજૂરોના અધિકારો છીનવવાના ભાજપ સરકારના પ્રયાસો સામે કોંગ્રેસ  ઉગ્ર સંઘર્ષ કરશે.

અંતમાં શ્રી ચાવડાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની આ મેલી મુરાદને કોંગ્રેસ પાર્ટી કોઈપણ રીતે સફળ થવા દેશે નહીં અને મનરેગાને તેના મૂળ, અધિકાર આધારિત સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરાવ્યા વિના આંદોલન બંધ નહીં થાય.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત ઉપરોક્ત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને મીડિયા કન્વીનર ડો. મનીષ દોશી, મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ તથા પ્રવક્તાશ્રીઓ ડો. હિરેન બેન્કર, ડો. અમિત નાયક, ડો. પાર્થીવરાજ કઠવાડીયા ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts