ભાવનગર

પાલીતાણા: ​આદર્શ ગામ રાણપરડાના વતની પી.પી. સવાણી ગ્રુપ વતનની વ્હારે: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોના બાળકોની સ્કૂલ ફીના ચેક અર્પણ કરાયા

માનવતા અને સેવાના પર્યાય ગણાતા સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને પી.પી. સવાણી ગ્રુપના મોભીઓએ ફરી એકવાર પોતાની માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કર્યું છે. આદર્શ ગામ રાણપરડાના વતની એવા સવાણી પરિવારે તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ (માવઠાં) ને કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોની વ્હારે આવી એક પ્રેરણારૂપ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રાણપરડા ગામે સ્થિત પી.પી. સવાણી ફાર્મ હાઉસ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં, માવઠાને કારણે ખેતીમાં નુકસાન વેઠનારા ખેડૂતોના દીકરા-દીકરીઓની સ્કૂલ ફીની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ સહાયમાં સ્કૂલ તથા કોલેજ સુધી અભ્યાસ કરતા  અસરગ્રસ્ત ખેડૂતોના દીકરા દીકરી વિદ્યાર્થીઓની ફીની જવાબદારી પી.પી. સવાણી ગ્રુપ દ્વારા ઉપાડી લેવામાં આવી છે, જેથી આદર્શ ગામના ખેડૂતો પર આર્થિક બોજ હળવો થઈ શકે અને બાળકોનું શિક્ષણ અટકે નહીં જેના સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ રાણપરડા ગામનું નામ રોશન કરનાર અને સરકારી નોકરીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત ગામના કર્મીઓનું પણ “વતનના રતન” તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. વતનમાં રહીને કે બહાર રહીને રાષ્ટ્રસેવામાં યોગદાન આપતા આ રત્નોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ સેવાકીય કાર્યક્રમમાં ગામના ભામાશા વલ્લભભાઈ પી. સવાણી, હજારો દીકરીઓના પાલક પિતા તરીકે જાણીતા મહેશભાઈ સવાણી, સામાજિક અગ્રણી  બાબુભાઈ વિરડીયા, લક્ષ્મણભાઈ માંગુકિયા, કાંતિભાઈ ભરોલીયા , વલ્લભભાઈ ચોથાણી સહિતના અનેક સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.​સમગ્ર કાર્યક્રમની માહિતી વિપુલ તળાવીયાએ વિગતવાર રજૂ કરી હતી કાર્યક્રમના અંતે ગામના આગેવાનો અને હોદ્દેદારોએ પી.પી. સવાણી ગ્રુપની આ ઉમદા કામગીરીને બિરદાવી હતી અને મુશ્કેલ સમયમાં વતનની પડખે ઉભા રહેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ગામમાં શિક્ષણનો દર વધે તે હેતુ કામ કરવા સૌને હાકલ કરવામાં આવી હતી

Related Posts