ભાવનગર

આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં વિલેજ ઓલમ્પિક-૨૦૨૬નો પ્રારંભ કરાવતાં ઇન્ડિયન ઓલિમ્પિક એસો.ના પ્રેસિડન્ટ પી. ટી. ઉષા

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ગામે ત્રિ-દિવસીય આત્મનિર્ભર હણોલ મહોત્સવનું ભવ્ય
આયોજન કરવામાં આવ્યું છે.જેમા આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ખેલાડી અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના
પ્રેસિડન્ટશ્રી પી. ટી. ઉષાએ વિલેજ ઓલમ્પિક- ૨૦૨૬નો પ્રારંભ કરાવ્યો હતો. આ વેળાએ કેન્દ્રિય મંત્રી શ્રી
મનસુખભાઈ માંડવીયા અને કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યાં હતા.
ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રેસિડન્ટશ્રી પી. ટી. ઉષાએ રમતવીરોને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, હું આ
ગ્રાઉન્ડ જોઈ રહી છું ત્યારે મને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે, આ ગ્રાઉન્ડ તો ઘણું જ મોટું છે, મેં નાના એવા
ગ્રાઉન્ડમાં સતત હાર્ડ વર્ક અને ટેલેન્ટ થકી ઓલમ્પિક જેવી રમતોમાં મેડલો મેળવ્યાં છે. મારા માતા-પિતાના સપોર્ટ
અને કોચના માર્ગદર્શન થકી સફળતા મળી છે. આજે હું જે કંઈ પણ છું, તે માત્ર સ્પોર્ટ્સના લીધે છું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કેરલમાં મેં સ્પોર્ટ્સ એકેડેમી ચાલુ કરી છે, તેમાં ૨૫ જેટલી બહેનો પોતાનું ટેલેન્ટ
બતાવી રહી છે. જેમાંથી અમુક બહેનોએ કોમનવેલ્થ અને ઓલમ્પિક જેવી રમતોમાં સફળતા પણ મેળવી છે. હણોલ
મહોત્સવ થકી ગુજરાત અને દેશને શ્રેષ્ઠ રમતવીરો મળશે અને આ રમતવીરો ઓલમ્પિક જેવી રમતોમાં સફળતા
મેળવીને દેશનું નામ રોશન કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં વિલેજ
ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો, યુવાનો અને વડીલો દેશી રમતો રમીને જૂની રમતોને
જીવંત રાખવાનું કામ કરશે.
તેમણે કહ્યું કે, વિલેજ ઓલમ્પિકમાં રમતવીરોને પોતાની પ્રતિભા દેખાડવાની ઉમદા તક મળી રહી છે,
હારજીત થકી ખેલાડીઓમાં ખેલદિલીની ભાવના પણ વિકસસે તેમજ સંસ્કારોનું પણ સિંચન થશે. આદર્શ હણોલ ગામ
આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હણોલ ગામ આસપાસના ગામોની સાથે દેશ માટે પણ પ્રેરણારૂપ બની
રહેશે.
હણોલ મહોત્સવ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, હણોલ મહોત્સવ દ્વારા આ ગામના રમતવીરોએ હેન્ડબોલ
સહિતની રમતોમાં શ્રેષ્ઠ દેખાવ કરીને હણોલ ગામનું નામ રોશન કર્યું છે. આવનાર દિવસોમાં રમતવીરો કોમનવેલ્થ,
ઓલમ્પિક જેવી રમતોમાં‌ ગામનું નામ રોશન કરશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સ્વાવલંબન, સહકારીતા,
સમાનતા અને સસ્ટેનેબલની સાથે ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ થશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, વિલેજ ઓલમ્પિક જેવી રમતો
થકી રમતવીરોને યોગ્ય પ્લેટફોર્મ મળ્યું છે. આવી રમતો દ્વારા આપણને સારા ખેલાડીઓ પણ મળ્યાં છે. હણોલ
મહોત્સવનું આયોજન કરવા બદલ તેમણે આયોજકોનો આભાર માન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, હણોલ ગામ ખાતે સસ્ટેનેબલ ગામ હણોલના સ્થાપના દિવસ નિમિતે પરંપરાગત
ગ્રામીણ ખેલસ્પર્ધા – ૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં અંડર – ૧૪, અંડર – ૧૭ તથા ઓપન વયજૂથના ભાઈઓ અને બહેનો ભાગ લઇ રહ્યાં છે. જેમાં
૫૦ મીટર દોડ, ગોળફેંક, લાંબી કૂદ, કોથળા દોડ, લીંબુ – ચમચી, કબડ્ડી, ખો–ખો, રસ્સા ખેંચ, નારગેલ, હેન્ડબોલ
તેમજ ગિલ્લી દંડા (માત્ર ભાઈઓ માટે) જેવી પરંપરાગત ગ્રામીણ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વેળાએ ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા, મેયરશ્રી ભરતભાઈ બારડ,જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષ કુમાર
બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, ઇન્ડિયન ઓલિમ્પિક એસો.ના વાઈસ પ્રેસિડન્ટશ્રી અજયભાઈ,
આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શ્રી કુમારભાઈ શાહ, જિલ્લાના અધિકારીઓ- પદાધિકારીઓ, હણોલ તેમજ
આસપાસના ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતા.

Related Posts