આજરોજ ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલીના ચિત્તલ મુકામે કુલ ૦૨ પેટા આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડીંગની કામગીરીનું ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ચિત્તલ સ્થિત શ્રી ખોડિયાર નગર અને જિન પ્લોટ ખાતે અંદાજિત કુલ રૂ. ૬૫ લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રો આકાર પામશે. ચિત્તલ ઉપરાંત આસપાસના ગામડાઓને ઘરઆંગણે અને નજીકમાં જ સરળતાથી આરોગ્ય સુવિધાઓ મળતી થશે.
નાગરિકો માટે આરોગ્ય સુવિધાઓ અને સવલતો સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે સતત સક્રિયતા સાથે કામગીરી કરવામાં આવી રહી છે. જનસામાન્ય માટે “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અન્વયે રૂ. ૧૦ લાખના આરોગ્ય કવચની સાથે આયુષ્માન કાર્ડની સુવિધાઓ ઉપલબ્ધ છે. અમરેલી જિલ્લામાં જરૂરીયાત મુજબ પેટા આરોગ્ય કેન્દ્રોના નિર્માણ માટે કામગીરી તેજ ગતિથી આગળ ધપી રહી છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર સહિતના રોગ હવે ગ્રામ્ય લેવલે પણ વધી રહ્યા છે. દર્દીઓને તપાસ સહિત સારવાર સુધીની સવલતો ઘરઆંગણે મળે તે માટે પેટા આરોગ્ય કેન્દ્રો આશિર્વાદરૂપ છે.
ચિત્તલ મુકામે પેટા આરોગ્ય કેન્દ્રોના ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયત અમરેલીના પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરીયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી અશ્વિનભાઈ કુંજડીયા, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments