અમરેલી તાલુકાના સણોસરા તથા માંગવાપાળ ગામે ગ્રામ પંચાયતના નવા ભવનના નિર્માણ માટે ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દરેક પંચાયત ભવન રૂ. ૨૫-૨૫ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. નવા પંચાયત ભવનના નિર્માણથી ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી વધુ સુચારૂ રીતે થશે તેમજ ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ અને સુવિધાઓ વધુ સારી રીતે એક જ સ્થળે પ્રાપ્ત થશે.
આ પંચાયત ભવનમાં તલાટી અને સરપંચશ્રીના કક્ષ તેમજ મીટીંગ હોલ જેવી સુવિધા તૈયાર થશે. અમરેલી વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોને જરૂરિયાત મુજબ નવા પંચાયત ભવન રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. અમરેલી-વડિયા-કુંકાવાવ મતવિસ્તારના તમામ ગામોમાં સુવિધાયુક્ત પંચાયત ભવન થકી નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાનો લાભ સરળતાથી મળી રહ્યો છે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોની સુવિધાઓના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. નવિન પંચાયત ભવન જેવી સુવિધાઓથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ મજબૂત બનશે અને ગામડાંનો સર્વાંગી વિકાસ શક્ય બનશે.
ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત અમરેલીના પ્રમુખશ્રી કિશોરભાઈ કાનપરીયા, જિલ્લા પંચાયતના સભ્યશ્રી મુકેશભાઈ બગડા, અગ્રણી સર્વશ્રી પ્રવિણભાઈ માંગરોળીયા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments