હવામાન ખાતાની આગાહી અનુસાર ગુજરાતના અમુક જિલ્લાઓમાં તા. ૨૧.૦૧.૨૦૨૬ થી તા.૨૫.૦૧.૨૦૨૬ દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહેવાની તેમજ ક્યાંક ક્યાંક કમોસમી વરસાદની શક્યતા જણાઈ છે. જેના કારણે આંબા પાકમાં મોર આવવાના તબક્કે ખેડૂતોને નુકસાન થવાની સંભાવના છે. આંબાના મોરનો સમય અત્યંત સંવેદનશીલ હોય છે અને આ દરમિયાન વધુ ભેજ અને વરસાદ થવાથી ફળ બંધારણ ઘટી શકે છે તેમજ ફૂગજન્ય રોગોનું પ્રમાણ ઘટી શકે છે.
આ સંદર્ભે બાગાયત ખાતા દ્વારા ખેડૂત ભાઈઓને ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે. કમોસમી વરસાદ દરમિયાન મોર લાગેલ ફળ તથા નાની બંધાયેલ ફળની ખરવાની શક્યતા રહે છે. સાથે જ ભેજ વધવાથી પાકમાં મિલ્ડ્યુ (ભૂકી છારો) તથા અન્ય રોગોની શક્યતા વધી શકે છે, જેના કારણે કેરી ઉત્પાદન ઉપર નકારાત્મક અસર પડી શકે છે
ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે, વરસાદ શરૂ થાય તે પહેલાં અથવા વરસાદ બંધ થયા બાદ ૨૪ કલાકની અંદર યોગ્ય ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો. આ માટે કાર્બેડેઝિમ (૧ ગ્રામ પ્રતિ લીટર) અથવા હેક્સાકોનાઝોલ (૧ ગ્રામ પ્રતિ લીટર) અથવા વેટેબ સ્લફર (૨ ગ્રામ પ્રતિ લીટર) દવાઓમાંથી કોઈ એક દવાનો છંટકાવ કરવાથી રોગોનું નિયંત્રણ થઈ શકે છે. દવા સાથે સ્ટિકર ભેળવવાથી અસર વધુ સારી મળે છે. ઉપરાંત, ખેતરમાં પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવી. વરસાદ પહેલા મોર ન ઝરે અથવા ફૂલ ન ખરી જાય તે માટે બોરોન (૦.૨%) તથા ઝીંક (૦.૫%) જેવા સૂક્ષ્મ પોષક તત્વોના ફોલિયર સ્પ્રે છંટકાવથી પણ લાભ મળી શકે છે.
બાગાયત વિભાગ ખેડૂત ભાઈઓને અપીલ કરે છે કે, હવામાનની આગાહીને ધ્યાનમાં રાખી યોગ્ય આયોજન કરી, સમયસર જરૂરી પગલાં લઈને કમોસમી વરસાદથી થતું નુકસાન ઓછું કરે. દવાનો છંટકાવ બપોરે ન કરવો અને યોગ્ય માત્રમાં ઉપયોગ કરવા નાયબ બાગાયત નિયામકશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

















Recent Comments