મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના સન્માનમાં ભાવનગરના અટલ બિહારી
વાજપેયી ઓડિટોરીયમ ખાતે શ્રી મનહરકુંવરબા રાજપૂત વિદ્યા સંકુલ, નેકનામદાર મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજી
શૈક્ષણિક સંકુલ (વરતેજ) તથા સમગ્ર ગોહિલવાડ રાજપૂત સમાજના સંયુક્ત ઉપક્રમે ભવ્ય અભિવાદન સમારોહ
યોજાયો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વનેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો
“દેવથી દેશ”નો મંત્ર રાજપૂત ક્ષત્રિય સમાજે સદીઓથી આત્મસાત કર્યો છે. સોમનાથ માટે શહીદ થયેલા વીર હમીરજી
ગોહિલ, સોમનાથ મંદિરના પુનર્નિર્માણમાં જામ સાહેબ દિગ્વિજયસિંહજીનું યોગદાન તથા ભાવનગરના પ્રજાવત્સલ
રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીનું દેશહિત માટેનું સમર્પણ ઇતિહાસમાં અમર છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, શ્રી કૃષ્ણકુમારસિંહજીએ દેશ માટે રાજ્ય સમર્પણ કરનાર પ્રથમ રાજવી તરીકે
અનોખું સ્થાન મેળવ્યું છે. બ્રાઝિલને ગીર ગાયની ઓલાદ ભેટ આપીને તેમણે ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
છે, જે આજે પણ ત્યાં પ્રતિમાના રૂપે સ્મરણમાં છે.
તેમણે જણાવ્યું હતું કે, નવાનગર-જામનગરના મહારાજા શ્રી રાજેન્દ્રસિંહજી દેશના પ્રથમ ચીફ ઓફ આર્મી
સ્ટાફ રહ્યા છે, જ્યારે ક્રિકેટ ક્ષેત્રે રણજીતસિંહજી,દુલીપસિંહજી અને રવિન્દ્રસિંહ જાડેજા જેવા રત્નો રાજપૂત સમાજે
આપ્યા છે. સૌરાષ્ટ્ર-ગોહિલવાડની ભૂમિ શૌર્ય, સાહસ અને ઉદ્યમશીલતાની પરંપરાથી ઝળહળે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, શિક્ષણને વિકાસનો આધાર બનાવનાર રાજપૂત સમાજ આજે આર્ટ, સાહિત્ય, રાજનીતિ,
આરોગ્ય, વહીવટીતંત્ર સહિત તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન આપી રહ્યો છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત માટેના
નવ સંકલ્પોને આત્મસાત કરવામાં રાજપૂત સમાજ હંમેશા અગ્રેસર રહેશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સેવાયજ્ઞ છે, તેમાં દરેક વર્ગે
યોગદાન આપવું જોઈએ. શિક્ષણથી સમાજના દીકરા-દીકરીઓ રોજગારી મેળવી આત્મનિર્ભર બની રહ્યા છે. શાળાના
શૈક્ષણિક સંકુલનું નિર્માણ આવનારી પેઢી માટે દીર્ઘકાળીન લાભરૂપ બનશે, તેથી આ કાર્યમાં સમાજના દરેક વ્યક્તિએ
યોગદાન આપવું જોઈએ તેમ તેમણે અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કન્યાકેળવણી, શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા
અભિયાનો શરૂ કર્યા છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર એ જ દિશામાં
પ્રતિબદ્ધતાપૂર્વક કાર્ય કરી રહી છે. આ અભિયાનોના પરિણામે સમાજમાં વ્યાપક અને સકારાત્મક પરિવર્તન જોવા
મળી રહ્યું છે. સરકાર દ્વારા કરવામાં આવતું દરેક કાર્ય ફરજભાવથી કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા અને સમગ્ર ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ શ્રી
વાસુદેવસિંહ ગોહિલે પ્રાસંગિક સંબોધન કર્યું હતુ.
આ પ્રસંગે કેન્દ્રિય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યો
શ્રીમતી સેજલબેન પંડ્યા, શ્રી ગૌતમભાઈ ચૌહાણ, શ્રી ભીખાભાઈ બારૈયા, મેયર શ્રી ભરતભાઈ બારડ, જિલ્લા કલેક્ટર
શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણા સહિત ગોહિલવાડ રાજપૂત સમાજના આગેવાનો,
ટ્રસ્ટીઓ, શિક્ષણવિદો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments