અમરેલી

સાવરકુંડલાનું ગૌરવ ‘શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર’ ડો. પ્રકાશભાઈ કટારીયાના સેવાકીય નેતૃત્વને સંતો અને સામાજિક સંસ્થાઓએ બિરદાવ્યું

સાવરકુંડલાની પવિત્ર ધરા પર માનવતાની જ્યોત જગાવનાર ‘શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર’ આજે આરોગ્ય ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં એક ઉદાહરણરૂપ સંસ્થા બની છે. આ સંસ્થાને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ગરિમા બક્ષવામાં અને સેવાના આ યજ્ઞને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. પ્રકાશભાઈ કટારીયાનું યોગદાન અભૂતપૂર્વ રહ્યું છે.

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ હોસ્પિટલમાં OPD, IPD, જટિલ ઓપરેશનો, ડાયાલિસિસ જેવી તમામ સેવાઓ ૧૦૦% નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. એટલું જ નહીં, દર્દીઓ અને તેમના પરિજનો માટે રહેવા તથા જમવાની ઉત્તમ વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ડો. પ્રકાશભાઈના કુશળ નેતૃત્વ હેઠળ હોસ્પિટલનો સ્ટાફ, ટ્રસ્ટીગણ અને દાતાશ્રીઓ વચ્ચે એક મજબૂત સેતુનું નિર્માણ થયું છે, જેના કારણે ‘દર્દી નારાયણ’ની સેવાનો આ યજ્ઞ ૨૪ કલાક અવિરત ચાલે છે.ડો. પ્રકાશભાઈ માત્ર હોસ્પિટલના વહીવટ પૂરતા મર્યાદિત ન રહેતા, સાવરકુંડલા શહેરની અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે અત્યંત આત્મીયતાથી જોડાયેલા છે. યુવા પેઢીના શિક્ષણ અને સામાજિક ઉત્થાનના કાર્યોમાં તેમનું માર્ગદર્શન અને સક્રિય સહયોગ ખૂબ મહત્વનો રહ્યો છે. તેમની આ બહુમુખી પ્રતિભાને કારણે જ તેઓ શહેરના અગ્રણી ચિકિત્સકની સાથે એક સામાજિક પ્રેરણાસ્ત્રોત અને લોકલાડીલા વ્યક્તિત્વ બન્યા છે.વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુની પ્રેરણાથી ચાલતા આ સેવા કાર્યમાં ડો. પ્રકાશભાઈને પંથકના અનેક સંતો-મહંતો દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા છે. લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકાર મિત્રો અને મીડિયા જગતે પણ ડો. સાહેબની ત્વરિત નિર્ણયશક્તિ, કાર્યપ્રતિબદ્ધતા અને પારદર્શક કાર્યશૈલીની મુક્ત કંઠે સરાહના કરી છે. સામાજિક આગેવાનો અને અગ્રણીઓએ ડો. કટારીયાને ‘માનવતાના મશાલચી’ તરીકે સંબોધીને તેમની ઉજ્જવળ અને સેવાથી ભરેલી કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

અડધી રાત હોય કે વહેલી સવાર, ડો. પ્રકાશભાઈ હંમેશા સેવામાં તત્પર રહે છે. તેમની નમ્રતા, નિષ્ઠા અને સૌહાર્દપૂર્ણ વ્યવહારને કારણે જ હજારો જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં આરોગ્યનો પ્રકાશ ફેલાયો છે. સાવરકુંડલા પંથકની જનતા ડો. સાહેબના આ અવિરત સેવા યજ્ઞને હૃદયપૂર્વક વંદન કરે છે.

Related Posts