ભાવનગર

તળાજાના જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામીને રાષ્ટ્રીય સન્માન 

તાજેતરમાં તળાજાના જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામીને ભારત સરકારના પ્રસારભારતીના સ્થાપના દિને દિલ્લીના રંગભવન ખાતે દિલ્લી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ માધવ કૌશિકના હસ્તે ગુજરાતી કવિ તરીકેનું સન્માન પ્રાપ્ત થયું હતું. ભારતની દરેક ભાષામાંથી એક એક કવિનું સન્માન થયેલું. એમણે ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આકાશવાણીના વિશ્વના સૌથી મોટા સર્વ ભાષા કવિસંમેલનમાં ગુજરાતી ભાષામાંથી તેઓ પસંદ પામ્યા હતા. આ કવિસંમેલનની વિશેષતાએ છે કે ૨૨ ભાષામાં યોજાય છે અને દરેક ભાષામાં હરદ્વારની મૂળ ગુજરાતી કવિતાનું પઠન થાય અને ત્યાર બાદ એનો ૨૨ ભાષામાં અનુવાદ થાય છે. ગુલઝાર સહીતના અનેક મહાન કવિઓ આ કવિસંમેલનનો ભાગ બનેલા. આ કવિસંમેલન ગણતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ એટલે કે ૨૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાત્રે ૧૦ કલાકે ભારતભરના ૪૨૧ રેડીઓ સ્ટેશન પરથી રાષ્ટ્રપતિના ઉદબોધન સાથે પ્રસારિત થશે. આકાશવાણીના કાર્યક્રમ પ્રમુખ હિતેશ માવાણી અને શૈલેશ પંડ્યાએ સંકલન કર્યું હતું. ત્રિલોક સંઘાણીએ શુભકામના પાઠવી હતી. વધુમાં ગયા મહિને રાષ્ટ્રપતિ નિલયમ (રાષ્ટ્રપતિનું વેકેશન હોમ)માં ‘વંદે માતરમ’ વિશે હરદ્વાર ગોસ્વામીએ વક્તવ્ય આપ્યું હતું. ગયા સપ્તાહે મુંબઈની પ્રતિષ્ઠિત સંસ્થા કલાગુર્જરી દ્વારા એમને ‘ગિરાગુર્જરી’ એવોર્ડ વિલેપાર્લા ખાતે અપાયો હતો. એમના પાંચ કાવ્ય સંગ્રહ સહીત ચાલીસથી વધુ પુસ્તકો પ્રકાશિત થઇ ચુક્યા છે.

Related Posts