અમરેલી

સાવરકુંડલા ખાતે શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભક્તિસભર માહોલમાં ‘વસંત પંચમી’ અને ‘શિક્ષાપત્રી જયંતી’ની ઉજવણી

શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વસંત પંચમીના પવિત્ર પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જ્ઞાનની દેવી માઁ સરસ્વતીનું પૂજન, શિક્ષાપત્રી જયંતી અને રાષ્ટ્રભક્ત નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

​માઁ સરસ્વતીનું પૂજન અને આરતી

​કાર્યક્રમની શરૂઆતમાં ગુરુકુળના નાના ભૂલકાઓ દ્વારા વિદ્યાની દેવી માઁ સરસ્વતીની આરાધના કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શ્રદ્ધાપૂર્વક માતાજીનું પૂજન કરી આરતી ઉતારી હતી. સંસ્થાના કોઠારી અક્ષર મુક્તદાસજી સ્વામીએ શાસ્ત્રોક્ત વિધિથી માઁ સરસ્વતી અને પવિત્ર ‘શિક્ષાપત્રી’નું પૂજન-અર્ચન કરી શ્રીફળ વધેરી સૌના મંગલ ભવિષ્યની પ્રાર્થના કરી હતી.

​પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને વસંત પંચમીના પર્વનું આધ્યાત્મિક અને સામાજિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વિશેષ કરીને, સ્વામિનારાયણ સંપ્રદાયના આચારસંહિતા સમાન ગ્રંથ ‘શિક્ષાપત્રી’ની જયંતી નિમિત્તે તેના જીવનલક્ષી મૂલ્યો વિશે ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી હતી.

​આ પ્રસંગે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર મહાન ક્રાંતિકારી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે તેમને યાદ કરવામાં આવ્યા હતા. ગુરુકુળ પરિવાર દ્વારા નેતાજીના દેશપ્રેમ અને અપ્રતિમ બલિદાનને કોટિ-કોટિ વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Related Posts