અમરેલી

સાવરકુંડલમાં રાજગોર જ્ઞાતિનું ગૌરવ: તાલીમ વગર માત્ર ‘કોઠાસૂઝ’થી ચિત્રકલામાં ડૉ. રાધિકા મહેતાએ ડંકો વગાડ્યો

કાઠિયાવાડની ધરતી હંમેશા કળા અને સંસ્કારોની ખાણ રહી છે. કહેવાય છે કે કાઠી દરબાર અને કાઠી ગોરની દીકરીઓમાં કુદરતી રીતે જ એક અનોખી ‘કોઠાસૂઝ’ હોય છે. આ પરંપરાગત વારસાને જીવંત રાખતા રાજગોર જ્ઞાતિના દીકરી ડો. રાધિકા મહેતાએ કોઈપણ ઔપચારિક તાલીમ લીધા વિના ચિત્રકલાના ક્ષેત્રમાં મોટી સિદ્ધિ હાંસલ કરી સમગ્ર જ્ઞાતિનું નામ રોશન કર્યું છે.​ડો. રાધિકાના પિતા હિંમતભાઈ મહેતાના જણાવ્યા અનુસાર, તેમની દીકરીમાં રહેલી કલા કોઈ વર્ગો કે ટ્યુશનની દેન નથી, પરંતુ કુદરતી બક્ષિસ છે. સ્ત્રીઓની ૬૪ કલાઓ પૈકી કોઈપણ કલા માત્ર એકવાર નજરે નિહાળીને તે જાતે જ આત્મસાત કરી લેવાની શક્તિ ડૉ. રાધિકા ધરાવે છે. ચિત્રકામ હોય, મહેંદી હોય કે રંગોળી આ તમામ કલાઓમાં તેમણે અદભુત પ્રભુત્વ મેળવ્યું છે.

​તાજેતરમાં સૌરાષ્ટ્રના નામાંકિત ચિત્રકારોના હસ્તે તૈયાર કરવામાં આવેલા ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં અસંખ્ય એન્ટ્રીઓમાંથી ખૂબ જ મર્યાદિત અને શ્રેષ્ઠ ચિત્રકારોની પસંદગી કરવામાં આવી હતી. આ ગૌરવશાળી યાદીમાં ડૉ. રાધિકા મહેતાનું નામ સામેલ થવું એ તેમની કલાની ઊંચાઈ દર્શાવે છે. આ પ્રદર્શનમાં તેઓ રાજગોર જ્ઞાતિના એકમાત્ર પ્રતિનિધિ તરીકે પસંદ થયા છે.

​વ્યવસાયે તબીબ અને કલાના ઉપાસક ​ડો. રાધિકા માત્ર કલાના ક્ષેત્રમાં જ નહીં, પણ શૈક્ષણિક અને વ્યવસાયિક ક્ષેત્રે પણ મોખરે છે. તેઓ હોમિયોપેથીક કાયમી ઓફિસર તરીકે કાર્યરત છે અને જ્ઞાતિમાં આ હોદ્દા પર પહોંચનાર તેઓ એકમાત્ર કલાકાર દીકરી છે. તબીબી ક્ષેત્રની વ્યસ્તતા વચ્ચે પણ પોતાની ભીતર રહેલી કલાને જાળવી રાખવી એ ખરેખર વંદનીય છે.

​”મારી દીકરીએ ક્યારેય ચિત્રકામની તાલીમ નથી લીધી, પણ તેની કોઠાસૂઝ તેને અદભુત સર્જન કરવાની પ્રેરણા આપે છે. એક પિતા તરીકે અને રાજગોર જ્ઞાતિના સભ્ય તરીકે આજે મને ખૂબ જ ગૌરવ થાય છે.”

— હિંમતભાઈ મહેતા (કાઠી રાજગોર)

​આ સિદ્ધિ બદલ ડૉ. રાધિકા મહેતા પર ચારેબાજુથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Related Posts