અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને સાવરકુંડલા સ્થિત વી.ડી.કાણકીયા કોલેજ ખાતે જિલ્લાકક્ષાના ૧૬માં ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. ૧૬માં ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણીની થીમ “My India, My Vote” રાખવામાં આવી છે. ટેગલાઈન “Citizen at the Heart of Indian Democracy” છે.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવીઝન) ૨૦૨૫-૨૬માં શ્રેષ્ઠ કામગીરી કરનારા BLOશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, તા. ૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ રાષ્ટ્રીય ચૂંટણી આયોગની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્થાપના દિવસના સન્માનમાં વર્ષ ૨૦૧૧થી દર વર્ષે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી હાથ ધરવામાં આવે છે.
સમયના વહેણની સાથે દુનિયાની સૌથી મોટી અને પરિપક્વ લોકશાહી ધરાવતો ભારત દેશ સતત અને અવિરત વિકાસના પંથે આગળ ધપી રહ્યો છે. કોઈપણ દેશની લોકશાહીના પાયામાં અથવા કેન્દ્રમાં હંમેશા મતદાતા હોય છે. ભારતની લોકશાહી મતદાતાઓના માધ્યમથી સતત સશક્ત બનતી રહી છે. ભારતના બંધારણમાં ૧૮ વર્ષથી ઉપરની વ્યક્તિ મતદાર બની શકે છે તે વિષયક કાનૂની જોગવાઈઓ સામેલ છે. મતદાન એ કાનૂની ફરજ માત્ર નથી પરંતુ ૧૮ વર્ષથી ઉપરની ઉંમરની દરેક વ્યક્તિ અને નાગરિક માટે જવાબદારી છે, પોતાનો મતદાન અધિકાર છે. ભારતનું ચૂંટણીપંચ ઉત્તમ વ્યવસ્થાપનનું આદર્શ ઉદાહરણ છે. યુવા મતદારોએ પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું કે, મતદાતાઓ દેશની લોકશાહીને વધુને વધુ મજબૂત બનાવે છે. સમગ્ર વિશ્વમાં એકમાત્ર ભારત દેશ એવો છે કે, જેની લોકશાહી સતત અને અવિરત પરિપક્વતાની સાથે સશક્ત બનતી રહી છે. આપણા દેશમાં ૧૮ વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ મતદાન કરી શકે છે. દેશના એક જવાબદાર નાગરિક તરીકે યુવાઓ સહિત સૌએ દરેક ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવું જોઈએ અને અન્ય નાગરિકોને પણ મતદાન માટે જાગૃત્ત કરવા જોઈએ અને પ્રેરિત કરવા જોઈએ. સશક્ત મતદાતા, દેશમાં સ્થિર અને સશક્ત સરકાર બનાવવામાં યોગદાન આપે છે. તેમણે નવયુવાઓને દરેક ચૂંટણીમાં મતદાન અવશ્ય કરવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટરશ્રીએ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવીઝન ૨૦૨૫-૨૬ દરમિયાન મતદાતાઓનું મેપિંગ, નવા મતદાતાઓની નોંધણી, મતદાતાઓની મતદાર તરીકેની ચોકસાઈપૂર્વકની ખરાઈ કરવા સહિતની કામગીરીમાં સહભાગી બનેલ જિલ્લા ચૂંટણી તંત્રના કર્મયોગીઓ અને ખાસ કરીને બી.એલ.ઓ.શ્રીને બિરદાવ્યા હતા.
કાર્યક્રમમાં વી.ડી.કાણકીયા કોલેજના કોર્મસ પ્રવાહના વિદ્યાર્થિની શ્રી પાયલ ખખ્ખરે યુવા મતદાતા, ભારતની સશક્ત લોકશાહી અને ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણીને કેન્દ્રમાં રાખીને પોતાનું વક્તવ્ય આપ્યું હતું. પ્રથમ વખત નોંધણી થયેલ યુવા મતદાતાઓને ચૂંટણીકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શતાયુ અને વરિષ્ઠ મતદાતાને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ ચૂંટણીમાં ભાગ લેવાના અને મતદાતા તરીકેના ચૂંટણી પંચના નિયત શપથ લીધા હતા. કાર્યક્રમમાં વી.ડી.કાણકીયા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગરેચા, સાવરકુંડલા પ્રાંત અધિકારી શ્રી પટેલ, સાવરકુંડલા મામલતદારશ્રી, બુથ લેવલ ઓફિસર્સ (બી.એલ.ઓ), વી.ડી.કાણકીયા કોલેજના પ્રિન્સીપાલશ્રી, સ્ટાફ સભ્યશ્રીઓ, કોલેજના યુવા વિદ્યાર્થીઓ, મતદાતાઓ સહિત સૌ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments