ચલાલા-ખાંભા રોડ, જીઓ પેટ્રોલ પંપની સામે, ખાંભા મુકામે અમરેલી જિલ્લાકક્ષાના ૭૭માં પ્રજાસત્તાક પર્વ-દિનની ઉજવણી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. રાજ્યમંત્રીશ્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે માર્ચ પાસ્ટ અને પોલીસ પરેડ યોજવામાં આવી હતી. રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ ખાંભાની ખમીરવંતી ધરાના ઐતિહાસિક ગૌરવવંતા ઈતિહાસને યાદ કરીને જણાવ્યું હતું કે, સક્ષમ નેતૃત્વ થકી સંવેદનશીલતા,પારદર્શકતા, પ્રગતિશીલતા અને નિર્ણાયકતાના આધારસ્થંભ પર ગુજરાતે સાતત્યપૂર્ણ,સર્વસમાવેશક વિકાસ સાધ્યો છે. જેમાં અમરેલી જિલ્લો પણ વિકાસના પંથે આગળ ધપી રહ્યો છે.
અમરેલી જિલ્લાની વિકાસયાત્રા પર પ્રકાશ પાડતા રાજ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, ડિજિટલ શિક્ષણને વેગ આપવા માટે જિલ્લામાં ૭૪૨ શાળાના ૨,૮૫૪ વર્ગખંડમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલી છે. જિલ્લામાં કુલ ૧૦ નવી સરકારી માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. “નમો લક્ષ્મી સ્કોલરશિપ” યોજના હેઠળ કુલ ૧૫,૯૨૧ વિદ્યાર્થીઓને લાભ પહોંચાડવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાની આગવી ઓળખ એવો જાફરાબાદ દરિયાકિનારો મત્સ્ય ઉદ્યોગ વિકાસની વધુમાં વધુ સંભાવનાઓ ધરાવે છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન જિલ્લામાં માછીમારોને રૂ. ૮.૮૪ કરોડથી વધુની રકમની આર્થિક મદદ કરવામાં આવી છે.
આજે પાણીની સમસ્યાઓ ભૂતકાળ બની છે તેમ જણાવતાં ઉમેર્યું હતું કે, જિલ્લાના કુલ ૬૧૨ ગામ અને ૯ શહેરી વિસ્તારોમાં પાઈપલાઈન મારફત પીવાનું શુદ્ધ પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. જિલ્લામાં “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” હેઠળ અત્યારસુધીમાં કુલ ૫૩ હજારથી વધુ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. “શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” હેઠળ સાડા ત્રણ લાખથી વધુ બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી છે.
રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસો થકી જિલ્લામાં ગરીબ, વંચિત, દિવ્યાંગો સહિતનો વિકાસ થઈ રહ્યો છે. જિલ્લામાં છેવાડાના લાભાર્થી સુધી “પ્રધાનમંત્રી આવાસ યોજના”નો લાભ પહોંચી રહ્યો છે. ગુજરાત પુનઃ પ્રાપ્ય ઉર્જાના વિકાસમાં તેજ ગતિએ આગળ ધપી રહયું છે. જિલ્લામાં “પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના” અન્વયે કુલ ૧૮ હજારથી વધુ ગ્રાહકો સોલાર રૂફટોપ વીજ જોડાણ ધરાવે છે. જિલ્લામાં બાગાયત કૃષિક્ષેત્રે સતત વિકાસ આગળ ધપી રહ્યો છે. પ્રાકૃતિક કૃષિ વાવેતર વિસ્તાર વધતા પરંપરાગત કૃષિ કરતા ખેડૂતોને પણ પ્રેરણા મળી રહી છે. આમ, દરેક ક્ષેત્રે જિલ્લામાં સતત અને અવિરત વિકાસકાર્યો આગળ ધપી રહ્યા છે.
રાજ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ઓકટોબર-૨૦૨૫ માસમાં કમોસમી વરસાદની સ્થિતિના પગલે રાજ્ય સરકારે વિશાળ હદય રાખીને રૂ. ૧૦ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. જેમાં જિલ્લામાં કુલ ૨.૨૩ લાખ ખેડૂતોને કુલ રૂ. ૭૪૯ કરોડથી વધુની સહાય રકમ વિના વિલંબ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી.
આ તકે રાજ્યમંત્રીશ્રીએ જિલ્લાના સૌ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવીને ખાંભા તાલુકાના વિકાસ અર્થે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, નેશનલ રુરલ ડેવલપમેન્ટ મિશન-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આત્મા પ્રાકૃતિક કૃષિ પ્રોજેક્ટ, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ, આઇ.સી.ડી.એસ ઘટક ખાંભા,જલ જીવન મિશન (વાસ્મો),પ્રાકૃતિક કૃષિ-આત્મા પ્રોજેક્ટ, સામાજિક વનીકરણ (સિંહની ડણક અને એક પેડ માં કે નામ), આયુષ્યમાન ભારત અને સી.પી.આર – આરોગ્ય, શિક્ષણ, ૧૦૮ સેવા, નંદ ઘર, સખી વન સ્ટોપ સેન્ટર, રમશે ગુજરાત, જીતશે ગુજરાત-ખેલ મહાકુંભ, વોટરશેડ મેનેજમેન્ટ સહિતની કામગીરીની ઝાંખી કરાવતા કુલ ૧૧ ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે રક્ષાશક્તિ સ્કૂલ ચલાલાની વિદ્યાર્થિનીઓએ દેશભક્તિ અને મહિલા શક્તિના જૂસ્સાને પ્રદર્શિત કરતી ડમ્બેલ્સ કૃતિ, કે.પી. મહેતા હાઈસ્કૂલ, જાફરાબાદના વિદ્યાર્થીઓએ આદિવાસી સંસ્કૃતિ પ્રદર્શિત કરતા આદિવાસી નૃત્ય, સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું અનેરું ટિપ્પણી નૃત્ય, સ્ટેટ યોગ બોર્ડ દ્વારા આદિયોગી-યોગાસન સહિતની દેશભક્તિ સભર સાંસ્કૃત્તિક કૃતિઓની પ્રસ્તુતિઓ નિહાળીને ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ બન્યા હતા.
કાર્યક્રમમાં શ્રેષ્ઠ પરેડ, શ્રેષ્ઠ ટેબ્લો, શ્રેષ્ઠ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનાર જૂથ-કચેરી-વિદ્યાર્થીગણને પ્રમાણપત્ર અને એવોર્ડ એનાયત કરીને તેમના ઉત્સાહમાં ઉમેરો કરવામાં આવ્યો હતો. રોડ અકસ્માત, રોડ સેફ્ટી, ૧૦૮ ત્વરિત સેવા લાઈવ મોકડ્રીલનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું.
આ અવસરે શિક્ષણ, રમત ગમત, ૧૦૮ સેવા, પોલીસ, આરોગ્ય, જિલ્લા માહિતી કચેરી સહિત વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને અને રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સહિત પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશભાઇ જોષીએ કર્યું હતું. ઉપરાંત આઈ.સી.ડી.એસ ખાંભા, ફાયર સર્વિસ અમરેલીના સ્ટોલનું નિદર્શન યોજાયું હતું.
જિલ્લા કક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વ ઉજવણી કાર્યક્રમમાં ખાંભા તાલુકાના પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત, નિવાસી અધિક કલેકટર શ્રી દિલીપસિંહ ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જાડેજા, ધારી-ખાંભા પ્રાંત અધિકારી શ્રી જાડેજા સહિત આરોગ્ય, પંચાયત, ખેતીવાડી, શિક્ષણ, પોલીસ, મહેસૂલ, નગરપાલિકા, વન, ૧૦૮ સેવા, ફાયર સેવા સહિત વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવો, વિદ્યાર્થીગણ, ખેલાડીઓ તેમજ નગરજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments