અમરેલી જિલ્લાના ખેડૂતો આજે બાગાયત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. ખેડૂતોની અવિરત મહેનત તથા રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓના અસરકારક અમલના પરિણામે જિલ્લામાં બાગાયતી ખેતીને પૂરતું પોષણ મળી રહ્યું છે. બાગાયત ક્ષેત્રે થયેલી નોંધપાત્ર પ્રગતિ જિલ્લાના કૃષિ વિકાસનું ઉજળું ચિત્ર રજૂ કરે છે.
અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૬૬,૯૫૭ હેક્ટર વિસ્તારમાં બગાયતી ખેતીનું વિસ્તરણ થયું છે. જે ગત વર્ષે ૬૬,૧૭૭ હેક્ટર હતું. આમ, જિલ્લામાં ૭૮૦ હેક્ટર વિસ્તારમાં બાગાયતી ખેતીનો વ્યાપ વધ્યો છે. રાજ્ય સરકારની સહાયથી ખેડૂતોને પ્રોત્સાહિત કરી જિલ્લામાં નવિન પાક તરકી ટીસ્યુ કલ્ચર ખારેકનું વાવેતરણ થઈ રહ્યું છે.
અમરેલી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વધુ પ્રમાણમાં વળે તે માટે બાગાયત વિભાગ દ્વારા ખેડૂત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ખેડૂતોને FPO અને FPC રચના માટે પ્રોત્સાહિત કરીને પોતાનું બાગાયતી ઉત્પાદન સીધું જ ગ્રાહકો સુધી પહોંચાડી ઉત્તમ બજારભાવ મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેના પરિણામે ખેડૂતની આવકમાં વધારો નોંધાયો છે.
અમરેલી જિલ્લામાં નવીન અભિગમ તરીકે બાગાયત વિભાગ દ્વારા ટીસ્યુકલ્ચર ખારેકના વાવેતરને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને ખારેકને નવા પાક તરીકે સફળતાપૂર્વક પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. સાથે સાથે મધમાખી પાલનની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરીને ખેડૂતોને મધ ઉત્પાદન તરફ વાળવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લામાં ડ્રેગનફ્રૂટ અને અંજીર જેવા નવા પાકોના વાવેતરનો નવીન અભિગમ પ્રગતિશીલ ખેડૂતો દ્વારા અપનાવવામાં આવ્યો છે.
નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીના અહેવાલ મુજબ અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન ડિસેમ્બર અંત સુધીમાં અમરેલી જિલ્લામાં વિવિધ બાગાયતી યોજનાઓ હેઠળ કુલ ૧૦,૦૦૦ લાભાર્થીઓને રૂ. ૧,૯૭૪.૧૪ લાખની સહાય ચુકવવામાં આવી છે, જે જિલ્લામાં બાગાયત ક્ષેત્રની સતત પ્રગતિ અને સરકારશ્રીની ખેડૂતલક્ષી નીતિઓનું સશક્ત ઉદાહરણ છે.
જિલ્લામાં ગ્રીન હાઉસ અને નેટહાઉસ થકી ખીરા કાકડીનો પાક લેવામાં આવે છે, જેના થકી ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે છે. અમરેલી જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજની સ્થાપના થકી ખેડૂતોને ડુંગળી તેમજ લસણ અન્ય મરી મસાલાના પાકના પ્રોસેસિંગ થકી વિદેશમાં નિકાસ કરવાની ઉજળી તક પ્રાપ્ત થઈ છે.


















Recent Comments