અમરેલી

રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લામાંથી ૬૧,૦૫૨ ખેડૂતો પાસેથી રૂ. ૯૮૨ કરોડની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી

 અમરેલી જિલ્લો કૃષિ પ્રધાન જિલ્લો છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાના દૃઢ સંકલ્પ સાથે અમરેલી જિલ્લામાં ખેડૂતોના સર્વાંગી ઉત્થાન માટે વ્યાપક અને અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેડૂતોને તેમની ઉપજનો યોગ્ય ભાવ મળી રહે, આર્થિક સુરક્ષા વધે તથા કુદરતી આફતો સામે સમયસર સહાય પ્રાપ્ત થાય એવા હેતુથી અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓ આજે અમરેલી જિલ્લાના કૃષિ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં કૃષિકારોને સશક્ત કરવા માટે રૂ. ૧૫,૦૦૦ કરોડની ટેકાના ભાવે જણસોની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સંવેદનશીલ પહેલના ભાગરૂપે અમરેલી જિલ્લામાં અત્યારસુધીમાં ૬૧,૦૫૨ ખેડૂતો પાસેથી કુલ ૧.૩૫ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે.

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીના જણાવ્યા મુજબ નાફેડ મારફતે જિલ્લામાં આવેલા ૧૮ ખરીદી કેન્દ્રો પરથી અંદાજિત રૂ. ૯૮૨ કરોડથી વધુની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવી છે. આ પગલાંથી ખેડૂતોને બજારની અસ્થિરતા સામે રક્ષણ મળ્યું છે અને તેમની આવકમાં સ્થિરતા આવી છે.

ગત ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦,૦૦૦ કરોડનું કૃષિ રાહત પેકેજ–૨૦૨૫ અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ અંતર્ગત અમરેલી જિલ્લામાં કુલ ૨.૨૩ લાખ ખેડૂતોને રૂ. ૭૪૯.૦૦ કરોડથી વધુની સહાય સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. સમયસર અને પારદર્શક રીતે આપવામાં આવેલી આ સહાયથી અસરગ્રસ્ત ખેડૂતોને ફરીથી ખેતી કાર્યમાં બેઠા થવામાં મોટી મદદ મળી છે.

ખેતીમાં આધુનિકીકરણ અને ઉત્પાદન ક્ષમતા વધારવાના હેતુથી ખેતીવાડી ખાતા દ્વારા વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન વિવિધ યોજનાઓ અંતર્ગત અમરેલી જિલ્લાના ૧૦,૩૩૮ ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટર, રોટાવેટર, થ્રેસર, પંપસેટ, સ્પ્રે પંપ સહિતના કૃષિ યાંત્રિક સાધનો માટે અંદાજિત રૂ. ૩૫.૫૨ કરોડની સહાય આપવામાં આવી છે. યાંત્રિકીકરણથી ખેતી ખર્ચમાં ઘટાડો થવા સાથે ઉત્પાદનક્ષમતા અને કાર્યક્ષમતા વધતી જોવા મળી છે.

ખેડૂતોની આવકમાં સતત સહારો પુરો પાડતી “પી.એમ. કિસાન સન્માન નિધિ” યોજના અંતર્ગત અમરેલી જિલ્લામાં કુલ ૧.૮૧ લાખ ખેડૂત લાભાર્થી-કુટુંબોને લાભ આપવામાં આવે છે. યોજના અંતર્ગત અલગ અલગ ૨૧ હપ્તામાં રૂ. ૨,૦૦૦ લેખે રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી રહી છે, જે નાના અને સીમાંત ખેડૂતો માટે મહત્વનો આર્થિક આધાર બની છે.

ખેડૂત અકસ્માત વીમા યોજનાના અમલથી ખેડૂતોના પરિવારજનોને આર્થિક સુરક્ષા મળી છે. અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂત ખાતેદારોના વારસદારોને જિલ્લામાં અત્યારસુધીમાં કુલ રૂ. ૨૨૮.૦૦ લાખની સહાય વીમા સ્વરૂપે ચૂકવવામાં આવી છે, જેના કારણે સંકટની ઘડીએ પરિવારને સંભાળ મળી છે.

કુદરતના આશીર્વાદ અને ખેડૂતોના અથાગ પરિશ્રમથી અમરેલી જિલ્લામાં ખેતી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં સારો વરસાદ થતાં આજદિન સુધી કુલ ૫.૫૦ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. ઉપરાંત રવિ સિઝનમાં ૧.૧૧ લાખ હેક્ટર વિસ્તારમાં ચણા પાકનું વાવેતર નોંધપાત્ર પ્રમાણ વધ્યું છે.

આમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી વ્યાપક સહાય, સમયસરની ટેકાની ખરીદી, આપત્તિ રાહત, યાંત્રિકીકરણ અને આવક આધારિત યોજનાઓના સંયુક્ત પ્રભાવથી અમરેલી જિલ્લાનું કૃષિ ક્ષેત્ર સતત મજબૂત બની રહ્યું છે. ખેડૂતોના પરિશ્રમને યોગ્ય મદદ અને સહારો મળી રહ્યો છે, જે જિલ્લાના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે.

Related Posts