માનવી જ્યારે કુદરત સામે લાચાર બને છે, ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને મજબૂત મનોબળ ધરાવતા વ્યક્તિઓ જ સમાજની વહારે આવતા હોય છે. આવો જ એક કિસ્સો વર્ષ ૧૯૮૮ના ભયાનક દુષ્કાળનો છે, જે આજે પણ તાતણીયા ગ્રામજનોના હૈયે અંકિત છે. આ કપરા કાળમાં પશુધન અને માનવજીવનને બચાવવા માટે થયેલી કામગીરીની સ્મૃતિઓ આજે પણ પ્રેરણા આપે છે.
વર્ષ ૧૯૮૮માં જ્યારે દુષ્કાળે માઝા મૂકી હતી, ત્યારે પશુધન અને જીવન નિર્વાહનો પ્રશ્ન વિકટ બન્યો હતો. આ સમયે પૂજ્ય બાલુબાપા ગઢીયાએ યુવક મંડળના પ્રમુખ હરિભાઈ મોરને તેડાવી પશુધન બચાવવા માટે હાકલ કરી હતી. આર્થિક સંકડામણની ચિંતા છોડી ‘સેવા એ જ પરમો ધર્મ’ના સૂત્ર સાથે કેટલ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.
આ સેવાકાર્યમાં વતનપ્રેમી પત્રકાર વિનોદ પંડ્યા આ પત્રકાર વિનોદ પંડ્યા એટલે મુંબઈથી પ્રસિદ્ધ થતું સાપ્તાહિક મેગેઝિન અભિયાનના કોલમ રાઈટર એટલો પરિચય જ કાફી છે. તેમના દ્વારા મુંબઈ અને સુરતમાં વસતા દાતાઓનો સહયોગ મેળવવામાં આવ્યો હતો. આર્થિક ભંડોળ મળતા જ પશુઓ માટે ઘાસચારો અને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ હતી. બાબાપુર સંસ્થા દ્વારા દૂધનો પાવડર અને છાશ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું હતું, જેનું સફળ સંચાલન ધીરુભાઈ પંડ્યા અને છોટાલાલ બુંધેલીયાએ સંભાળ્યું હતું.
આ ભગીરથ કાર્યમાં ગામના અનેક અગ્રણીઓએ ખભેખભા મિલાવીને કામ કર્યું હતું. જેમાં:
સંકલન – લાતીવાળા પ્રતાપ પીપલીયા, સુરેશ પંડ્યા અને ઝાલુભાઈ ભમ્મર સરપંચશ્રી
સ્વાસ્થ્ય સેવા–ડોક્ટર હર્ષદ બગથલીયા અને ડોક્ટર શૈલેષ અધ્વર્યું.
સહયોગી મિત્રો- આદમભાઈ બિલખીયા, પી.ટી. જોશી અને જયસુખભાઈ જોશીએ પાયાની સેવાઓ આપી હતી.
દુષ્કાળ પૂર્ણ થયા બાદ પણ યુવક મંડળની નિષ્ઠાના પરિણામે રૂ. ૭૦,૦૦૦નું ભંડોળ બચ્યું હતું. તેમાંથી રૂ. ૫૦,૦૦૦ની ફિક્સ ડિપોઝિટ કરી ‘નાની બચત ભવન’ શાળા માટે ઉપયોગી બનાવવામાં આવ્યું. આ ઉપરાંત, પશુપાલકોને ‘કડબ કુટ્ટી’ (ઘાસ)નું વિતરણ કરીને પશુપાલનને નવું બળ પૂરું પાડવામાં આવ્યું હતું.
આમ, પૂ. બાલુબાપાની પ્રેરણા અને તાતણીયા યુવક મંડળની મહેનતે માનવ સેવા સાથે અબોલ જીવોની સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જો સંકલ્પ મજબૂત હોય તો ગમે તેવા કપરા સમયમાં પણ માનવતાનો દીવો પ્રજ્વલિત રાખી શકાય છે.


















Recent Comments