અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અને સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા તેમજ લાઠી બાબરા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જનપ્રતિનિધિશ્રીઓના અગાઉના પેન્ડિંગ પ્રશ્નો જેમ કે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આંતરિક અને અન્ય રસ્તાઓ સાથે જોડતાં રસ્તાઓ, નવા આધારકાર્ડ બનાવવા અને આધાર અપડેટ સેવા કેન્દ્રો, સાવર, સામાપાદર, મોટા ઝીંઝુડા મુકામે ગૌચર જમીન દબાણ દૂર કરવું, પીઠવડી ખાતે ગૌચર દબાણ દૂર કરવું અને જમીન માપણી, ધારીના સરસયીયા મુકામે વીજ જોડાણ, સીમરણ મુકામે ગૌચર જમીન દબાણ દૂર કરવું તેમજ બગસરા-હામાપુર રોડ પર જંગલ કટીંગ સહિતના પ્રશ્નોને લઈને હાલ સુધીની પ્રગતિલક્ષી કામગીરી અંગે જિલ્લા કલેક્ટરશ્રીએ સમીક્ષા હાથ ધરીને સંબંધિત અધિકારીશ્રીને જરૂરી સૂચનાઓ આપી હતી.
રાજુલા અને વેરાવળ એસ.ટીની બસને નિયમિત શરૂ કરવી, ચમારડી પેટા આરોગ્ય કેન્દ્રની કામગીરી, સાવરકુંડલાથી લીમડા રોડ સહિતના મુદ્દે જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજે સમીક્ષા હાથ ધરી જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે નાગરિકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવે તે માટે સંબંધિત કચેરીઓના વડાઓને સંકલન કરવા અને ઘટતું કરવા સૂચના આપી હતી.
ટૂંક સમયમાં સમગ્ર જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થવાની છે. આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પોતાના કેન્દ્ર સુધી પહોંચવામાં જરૂરી વાહન વ્યવસ્થા ઉપલબ્ધ હોય તે માટે જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજે એસ.ટી બસ તંત્ર અમરેલીને સૂચના આપતા જણાવ્યુ કે, આ સમય દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ એસ.ટી બસોનું સંચાલન નિર્ધારિત સમય મુજબ રાબેતા મુજબ શરૂ રહે તે ખાસ જોવાનું રહેશે.
જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલિપસિંહ ગોહિલ, અમરેલી પ્રાંત અધિકારી શ્રી મહેશ નાકિયા, લાઠી પ્રાંત અધિકારી શ્રી નીરવ બ્રહ્મભટ્ટ, બગસરા,ધારી, સાવરકુંડલા-લાઠી પ્રાંત અધિકારીશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી ધોળાવાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચાવડા, તાલુકા અને શહેર મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓ સહિતના બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments