અમરેલી

અમરેલીના શેડુભાર મુકામે નવનિર્મિત પ્રાથમિક શાળાના અદ્યતન બિલ્ડિંગનું ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા ના હસ્તે લોકાર્પણ

આજરોજ અમરેલીના શેડુભાર મુકામે નવનિર્મિત પ્રાથમિક શાળાના અદ્યતન બિલ્ડિંગનું ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. લોકાર્પણ પ્રસંગે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કુલ રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાનું અદ્યતન બિલ્ડિંગ આકાર પામ્યું છે. જેમાં દિવ્યાંગો માટે શૌચાયલ, પીવાના શુદ્ધ પાણીની સુવિધા, અદ્યતન કોમ્પ્યુટર લેબ, મધ્યાહન ભોજન શેડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ આ તકે જણાવ્યુ કે, એક સમય હતો જ્યારે શિક્ષણ સુવિધાઓ અપુરતી હતી પરંતુ આજે સમગ્ર રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં શાળાના નવા બિલ્ડિંગ આકાર પામી રહ્યા છે. ઉપરાંત બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષાની સાથે સાથે ઉત્તમ સુવિધાઓ પણ મળી રહી છે. રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારે મોટું મન રાખીને ખેડૂતોને રૂ. ૧૦ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ સર્વેની કામગીરી વિના ત્વરાએ આપ્યું હતુ, જે ઐતિહાસિક નિર્ણય હતો. તેમણે અમરેલી તાલુકાને શેડુભાર નજીકમાં જી.આઈ.ડી.સી મળે તે માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાએ જણાવ્યુ કે,અમે ભણતા ત્યારે રૂપીયો ગાડાના પૈડા જેવડો હતો. શાળાની ઓસરીમાં બેસીને અમે અભ્યાસ કરતા હતા. પરંતુ સમય બદલાયો તેની સાથે સાથે શિક્ષણમાં પણ પરિવર્તન આવ્યું. આજે બાળકો શાળાના અદ્યતન બિલ્ડિંગમાં અભ્યાસ કરીને પોતાના સપનાનું ભવિષ્ય નિર્માણ કરી રહ્યા છે. તેમણે અમરેલીમાં સતત વિકાસકાર્યોની હેલી સર્જવા માટે રાજ્ય સરકાર અને રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાને અભિનંદન પાઠવ્યા હતા અને ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.

અમરેલીના શેડુભાર મુકામે પ્રાથમિક શાળાના નવનિર્મિત અદ્યતન બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે  જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, શેડુભાર સહતિના આસપાસના ગામના સરપંચશ્રીઓ, પંચાયત સભ્યશ્રીઓ, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts