જાગી જશો જો આપ તો છેતરશે કોણ અહીં?
હક માટે લડશો આપ તો છેતરશે કોણ અહીં?
ભ્રષ્ટાચારના મૂળિયાં જો ઉખેડવા હોય તો,
બિલો લેશો આપ તો છેતરશે કોણ અહીં?
–“પાંધી સર”
આજરોજ તારીખ ૧૨-૦૩-૨૦૨૬, ગુરુવારના રોજ સાવરકુંડલા તાલુકાની શ્રી બ્રાન્ચ શાળા નંબર-૪ ખાતે ‘ગ્રાહક સુરક્ષા’ વિષય પર એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ ૬ થી ૮ ના અંદાજે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત તજજ્ઞ શ્રી પાંધીસાહેબે જણાવ્યું હતું કે, જો દેશનો દરેક ગ્રાહક જાગૃત બને તો ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડી શકાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “માત્ર ‘ભારત માતા કી જય’ બોલવાથી દેશપ્રેમ સાબિત નથી થતો, પરંતુ કાયદાનું પાલન અને હકો પ્રત્યેની સજગતા જ સાચો દેશપ્રેમ હોય શકે છે.”
બીજા વક્તા શ્રી હિરાણી સાહેબે આગામી ૧૫ માર્ચ ‘વિશ્વ ગ્રાહક દિવસ’ ના સંદર્ભમાં માર્ગદર્શન આપતા જણાવ્યું કે, નાગરિકોએ એમઆરપીથી વધુ કિંમત ન ચૂકવવી, ભેળસેળ સામે ફરિયાદ કરવી અને લોભામણી જાહેરાતોથી બચવું જોઈએ. ભારતને વિકસિત બનાવવા માટે આર્થિક જાગૃતિ અનિવાર્ય છે.
શાળાના આચાર્ય શ્રી જોશી પૂજાબેન હર્ષદકુમાર તથા સમગ્ર સ્ટાફ દ્વારા બંને તજજ્ઞોનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. સમાજમાં ગ્રાહક સુરક્ષા દ્વારા ‘દેશ સેવા’નું ઉમદા કાર્ય કરવા બદલ પાંધી સાહેબ અને હિરાણી સાહેબની કામગીરીને બિરદાવવામાં આવી હતી.















Recent Comments