ભાવનગર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં બેલા ગામે રાત્રી સભા યોજાઈ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે તેમની ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન તળાજા
તાલુકાના બેલા ગામે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ ગ્રામજનો સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ એક
સકારાત્મક પરિવર્તન છે અને કૃષિ સાથે પશુપાલન પ્રવૃત્તિઓને પણ વધુ વેગ આપવાની જરૂર છે. બેલા ગામને
આદર્શ ગામ તરીકે વિકસાવવા માટે સંકલ્પબદ્ધ થવાનું તેમણે આહ્વાન કર્યું હતું.
રાજ્યપાલશ્રીએ હણોલ ગામના વિકાસ મોડેલનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, ત્યાં વ્યાપક વૃક્ષારોપણ,
સ્વચ્છતા અને સામૂહિક જવાબદારીના કારણે ગામે અનોખી ઓળખ મેળવી છે. આવા પ્રેરણાદાયી પ્રયાસોથી બેલા
ગામને વધુ ઉત્તમ બનાવવાની દિશામાં આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે, રાસાયણિક ખેતીના કારણે આરોગ્ય પર નકારાત્મક અસર પડે છે, જ્યારે પ્રાકૃતિક ખેતી ઓછા
ખર્ચમાં વધુ ફળદાયી સાબિત થાય છે.
વૃક્ષારોપણના મહત્વને રેખાંકિત કરતાં તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે
નામ” અભિયાનને વધુ વેગ આપવો જોઈએ અને જન્મદિવસના પ્રસંગોએ વૃક્ષારોપણ કરવાની ટેવ વિકસાવવી
જોઈએ.
શિક્ષણને વિકાસનો મુખ્ય આધાર ગણાવતા રાજ્યપાલશ્રીએ બાળકોને સંપૂર્ણ શિક્ષણ આપવાનું અને રાજ્ય
સરકારની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૫૦૦ કરતાં વધુ ગામને આદર્શ ગામ બનાવવા
અને મહત્તમ નેટ હાઉસ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
તેમણે બેલા ગામને વૃક્ષોના જતન માટે વિનામૂલ્યે છોડ, પાંજરા, પશુઓ માટે સેક્સ સોર્ટેડ સીમન તેમજ
ગામનાં તળાવને જળ સંચય અભિયાન અંતર્ગત ઉંડુ કરવા માટેની ખાતરી આપી હતી.
જિલ્લા કલેક્ટર શ્રી ડૉ.મનીષકુમાર બંસલે કહ્યું કે,
બેલા ગામમાં રાજ્યપાલશ્રી રોકાવાના છે, જે આપણાં જિલ્લા માટે સૌભાગ્યની વાત છે. તેમણે
રાજ્યપાલશ્રીના આહવાનને ઉઠાવીને બેલા ગામને આદર્શ ગામ જાહેર કરી લીવેબલ ગામ બનાવવા માટે સંપૂર્ણ
પ્રયાસોની ખાતરી ઉચ્ચારી હતી.
રાત્રી સભા દરમિયાન તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનૂલ
ચૌધરી, બેલા ગામના સરપંચ શ્રી હસમુખભાઈ બારૈયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts