ભાવનગર

તળાજા તાલુકાના બેલા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને
‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો હતો.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, અહીંના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી
પ્રત્યેનો વધતો ઉત્સાહ આનંદદાયક છે. તેમણે પોતાના અનુભવો વર્ણવતાં જણાવ્યું હતું કે, હરિયાણાના ગુરુકુળ

કુરુક્ષેત્ર ખાતે છેલ્લા નવ વર્ષથી ૧૮૦ એકર જમીનમાં યુરીયા, ડીએપી અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વગર
પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે અને તેમાં અન્ય પદ્ધતિઓની તુલનાએ ઉત્તમ ઉત્પાદન મળી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીથી જમીનના સૂક્ષ્મજીવાણુઓ અને અળસિયાનો નાશ થવાથી
જમીન બંજર બની રહી છે. પ્રાકૃતિક ખેતી કરવી એ ઈશ્વરીય કાર્ય છે અને તેમાં જીવામૃત તથા ઘન જીવામૃતના
ઉપયોગથી જમીનની ફળદ્રુપતા વધે છે.
રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું મળે છે તેવી માન્યતા ભ્રામક છે.
ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવતા તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં ખર્ચમાં નોંધપાત્ર
ઘટાડો થાય છે અને દેશી ગાય આધારિત આ પદ્ધતિમાં બહારથી કોઈ સામગ્રી લાવવાની જરૂર રહેતી નથી. તેમણે
રાસાયણિક ખેતીના દૂષ્પરિણામો અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જમીનના જૈવિક કાર્બનમાં ઘટાડો થઈ રહ્યો
છે અને પાણી પ્રદૂષિત બની રહ્યું છે, જે માનવ આરોગ્ય માટે ગંભીર જોખમ છે. તેમણે ઉમેર્યું કે,રાસાયણિક ખાતરોનો
અતિરેક ઉપયોગ પર્યાવરણ અને આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યો છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ખેડૂતોની આવક વધારવા
અને તેમને આત્મનિર્ભર બનાવવા વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે. રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન દ્વારા
દેશભરમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે.
રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, થોડા સમય પહેલાં ૧૦૫ મહિલાઓના માતાના દૂધ પર કરવામાં આવેલ
સંશોધનમાં તમામ નમૂનાઓમાં કીટનાશક, ડિટર્જન્ટ તથા યૂરિયાના અંશો મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમણે
આ પરિસ્થિતિને અત્યંત ગંભીર ગણાવી, માનવ આરોગ્ય અને આગામી પેઢી માટે ખતરનાક સંકેત તરીકે વ્યાખ્યાયિત
કરી હતી.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને એક મિશન મોડ પર લેવા બેલા ગામનાં ગ્રામજનોને આહવાન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, તેઓ સ્વયં પ્રાકૃતિક ખેતી
કરતાં ખેડૂત છે અને છેલ્લા પાંચ વર્ષથી શીંગ અને બાજરીના પાકમાં કોઈપણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા
વગર સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલે બેલા ગામને આદર્શ ગામ તરીકે વિકસાવવાના સંકલ્પને સાકાર કરવા
સૌએ સંકલિત પ્રયાસો કરવા જરૂરી હોવાનું જણાવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર રાજ્યપાલશ્રીના મિશનને પૂર્ણ કરવા
પ્રતિબદ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે નાયબ કૃષિ નિયામક શ્રી બી.એ. પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી
હતી.
પરિસંવાદ દરમિયાન રાજ્યપાલશ્રીના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતાં ચાર ખેડૂતોને બી.આર.સી. યુનિટ સહાયના
ચેક એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ ૩૩ વર્ષથી સેવા આપનાર શ્રી જીજીભાઈ દાનશંગભાઈ ચૌહાણનું સન્માન
કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં
પ્રગતિશીલ ખેડૂતો શ્રી કનુભાઈ ભટ્ટ અને શ્રી અરવિંદભાઈએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા.
કાર્યક્રમના અંતે આત્મા પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી જે.એન. પરમારે આભારવિધિ કરી હતી.
આ પરિસંવાદમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, સંયુક્ત ખેતી નિયામક શ્રી એમ.એમ. પટેલ,
ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મહમદ રિઝવાન ઘાંચી, નાયબ ખેતી નિયામક શ્રી એસ.બી. વાઘમશી,
શ્રીમતી એન.એસ. ડાંખરા ઉત્તર બૂનિયાદી વિદ્યાલયના પ્રમુખ શ્રી અરવિંદભાઈ ડાંખરા તથા બેલા ગામના સરપંચ શ્રી
હસમુખભાઈ બારૈયા સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો
ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts