અમરેલી

શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા ​સાવરકુંડલા ગુરુકુલ દ્વારા માનવસેવાનું અવિરત ઝરણું

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાવરકુંડલા ખાતે દર માસના પ્રથમ શુક્રવારે યોજાતી સેવાકીય પરંપરા અંતર્ગત આજરોજ તા. ૩-૪-૨૬ના રોજ પૂજ્ય શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૪૬ મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને દંત ચિકિત્સા કેમ્પ યોજાયો હતો.

​આ કેમ્પનું મંગલ દીપ પ્રાગટ્ય દાતાશ્રી ધીરજલાલ કાનજીભાઈ ઘેલાણી (મુંબઈ) પરિવારના સૌજન્યથી શ્રી કનુભાઈ ગેડીયા, કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામી તેમજ વિરનગર અને રાજકોટના તબીબોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેમ્પના મુખ્ય યજમાન પદે મુંબઈ સ્થિત ચંદ્રિકાબેન કામદાર રહ્યા હતા.

​નેત્ર નિદાન કેમ્પમાં કુલ ૫૪ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૧૭ દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર જણાયતા સંસ્થા દ્વારા વિરનગર હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મોકલવામાં આવ્યા હતા. અન્ય દર્દીઓને નિ:શુલ્ક ચશ્મા અને દવાઓનું વિતરણ કરાયું હતું.

​ દંત યજ્ઞમાં ૩૬ દર્દીઓના દાંત અને પેઢાનું નિદાન થયું હતું. વિશેષ આકર્ષણ એ રહ્યું કે ૯ દર્દીઓની દાઢ ઇન્જેક્શન વગર, આયુર્વેદિક ‘જાલંધર બંધ વિધિ’ દ્વારા પીડામુક્ત રીતે કાઢવામાં આવી હતી.

રાજકોટના સુપ્રસિદ્ધ ડો. જયસુખભાઈ મકવાણા અને તેમની ટીમ, ડિવાઈન ચેરિટેબલ ટ્રસ્ટના મોનિકાબેન ભટ્ટ, જાગૃતિબેન ચૌહાણ તથા ડો. સંજયભાઈ અગ્રાવત અને સ્થાનિક હોસ્પિટલના ડો. નિલેશભાઈ ત્રિવેદીએ સેવાઓ આપી હતી. કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામીના વડપણ હેઠળ સંસ્થાના સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. દર્દીનારાયણ માટે ચા-નાસ્તો (ખમણ, ભેળ) ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

Related Posts