સંસ્કારની સુગંધથી મહેંક્યું
આ આંગણું આજે,
કૌશલ્યના દીવડા બની ઝળક્યું આ આંગણું આજે.
ગૌસેવા ને ટેકનોલોજીનો સંગમ થયો એવો,
કે આત્મનિર્ભર શક્તિથી છલક્યું આ આંગણું આજે.
–“પાંધી સર”
સાવરકુંડલાની આઝાદી પૂર્વેની ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત સંસ્થા ‘શ્રી કપોળ કન્યા છાત્રાલય’ દ્વારા સંસ્થાનો વાર્ષિક મહોત્સવ અત્યંત દબદબાભેર ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દીકરીઓએ માત્ર સાંસ્કૃતિક પ્રસ્તુતિ જ નહીં, પરંતુ આધુનિક ટેકનોલોજી અને વ્યવસ્થાપન કૌશલ્યનો અદભૂત પરિચય આપ્યો હતો.
આ વર્ષના મહોત્સવની વિશેષતા એ રહી કે છાત્રાલયની ૧૨૦ દીકરીઓએ ગૌસેવા જેવા પરંપરાગત મૂલ્યોની સાથે આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને કોમ્પ્યુટરના પાઠ શીખીને પોતે ‘ટેકનો-સેવી’ હોવાનું સાબિત કર્યું છે. પુસ્તકિયા જ્ઞાનની સાથે સીવણ, સંગીત અને વેપારી કોઠાસૂઝ જેવી તાલીમ મેળવી આ દીકરીઓ આર્થિક આઝાદી તરફ ડગ માંડી રહી છે.આ ઉપરાંત આ છાત્રાલયમાં ભારતીય સંસ્કૃતિના ઓળખ સમાન અનેરા ઉત્સવો હોળી, ધૂળેટી, મકરસંક્રાંતિ, રામનવમી, કૃષ્ણ જન્મોત્સવ જેવાં ઉત્સવો પણ સાથે મળીને ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આ સંસ્થાની દિકરીઓ આત્મ નિર્ભર ભારતના કંન્સેપ્ટને આત્મસાત કરવા માટે અને કપરી પરિસ્થિતિ જીવન નિર્વાહ કેમ કરી શકાય એ ઉદ્દેશ્ય સાથે દર શનિવાર રવિવારે કે જ્યારે અન્ય વિદ્યાર્થીઓ હોલી ડે મુડમાં હોય તેવી વેળાએ આ દિકરીઓ આ છાત્રાલયના કેમ્પસ બહાર ટેબલ ખુરશી નાખીને સંયુક્ત રીતે ખજૂરનું દૂધ, ખમણ, ઢોકળા જેવી વાનગીઓ પણ વેચીને જેમ અમેરિકામાં કોઈ વ્યવસ્થા નિમ્ન નથી એ વાતને યાદ રાખીને સ્વમાનભેર પોતાના પ્રવૃત્તિઓ કરે છે. અને હા, ક્યારેક તંત્ર દ્વારા આ વિસ્તારમાં કચરા ગાડી કચરો એકઠો કરવા ન આવી હોય તો તંત્રનો કાન આમળવામાં પણ પાછી પાની કરતી નથી.. સમૂહ સફાઈ દ્વારા પણ પોતાના છાત્રાલયના આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખે છે અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ સૂત્રને સાર્થક કરી બતાવતી જોવા મળે છે. અન્ય માટે પણ એક પ્રેરણાસ્ત્રોત સમાન દૈનિક જીવન ખરેખર ખૂબ પ્રશંસનીય છે. જેને
સ્વયંસિદ્ધાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણી શકાય.
સામાન્ય રીતે આવા મોટા કાર્યક્રમોમાં બાહ્ય વ્યવસાયિકોની મદદ લેવામાં આવતી હોય છે, પરંતુ અહીં દીકરીઓએ મંડપ અને સાઉન્ડ સિસ્ટમ જેવી જવાબદારીઓ જાતે સંભાળીને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન પણ દીકરીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત પવિત્ર પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા થઈ હતી. ત્યારબાદ લોકનૃત્ય અને ગીતોની રમઝટ બોલી હતી. વિશેષ આકર્ષણ તરીકે ‘વિદ્યાર્થી જીવન’ પર આધારિત નાટક રજૂ કરાયું હતું, જેમાં છાત્રાલયની દૈનિક પ્રવૃત્તિઓ અને સામાજિક મૂલ્યોનું જીવંત નિરૂપણ જોઈ મહેમાનો ભાવવિભોર બન્યા હતા.
આ પ્રસંગે ભરતભાઈ જોષી, ગીતાબેન જોષી, દીપકભાઈ શેઠ, મુકુંદભાઈ નાગ્રેચા, રજનીભાઈ મહેતા સહિતના શહેરના પ્રતિષ્ઠિત અગ્રણીઓએ હાજરી આપી દીકરીઓના કૌશલ્યને બિરદાવ્યું હતું. અંતમાં ‘સ્વરુચિ ભોજન’ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. છાત્રાલયના ગૃહપતિ અને વિદ્યાર્થીનીઓની રાત-દિવસની જહેમત આ કાર્યક્રમની સફળતામાં સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી.











Recent Comments