ઉનાળો તપી રહ્યો છે. ચોમાસું નજીક છે. ખેડૂતોએ ખેતરમાં ખેડ કરીને નવા વાવેતરની તૈયારીઓ આરંભી દીધી છે. પ્રાકૃતિક કૃષિમાં બીજ સંસ્કાર માટે બીજામૃતનો મહત્વનો ફાળો છે. બીજામૃત સરળ રીતે ખેતર પર ઉપલબ્ધ દ્રવ્યોમાંથી બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ વાવણી પહેલા બીજને માવજત એટલે કે, પટ આપવા માટે થાય છે. બીજામૃતના ઉપયોગથી છોડના મૂળને જમીનજન્ય ફૂગ તથા અન્ય બીજજન્ય રોગો સામે રક્ષણ મળી રહે છે.
બીજામૃત ખેતરમાં ઉપલબ્ધ દ્રવ્યોમાંથી બનાવી શકાય :-
બીજામૃત (૧૦૦ કિ.ગ્રા બીજ માટે) બનાવવા માટે દેશી ગાયનું તાજુ છાણ ૫ કિલો, ગૌ મૂત્ર ૫ લીટર, ચૂનો ૫૦ ગ્રામ, વડ નીચેની ૧ મુઠી માટીનો ઉપયોગ કરવો. સુતરાઉ કાપડમાં ૫ કિલો તાજુ છાણ લઈ પાણીમાં બોળવું જેથી દ્રાવ્ય તત્વો પાણીમાં ઓગળી જશે. બીજા એક વાસણમાં ૫૦ ગ્રામ ચૂનો ૧ લિટર પાણીમાં ૧૨-૧૬ કલાક પલાળવો, છાણના અદ્રાવ્ય તત્વોને સુતરાઉ કાપડને દબાવીને જુદા કરવા, છાણ વાળા દ્રાવણમાં ૫ લિટર ગૌ મૂત્ર, ૧ લિટર ચૂનાનું પાણી, ૫૦ ગ્રામ સજીવ માટી અને ૨૦ લિટર પાણી ઉમેરી ૧૨ થી ૧૬ કલાક સુધી મિશ્રણ રાખવું. આ મિશ્રણ દિવસમાં બે વખત હલાવવું. બાદમાં બીજ પર બીજામૃતની માવજત આપી બીજને છાયામાં સુકવવા અને ત્યારબાદ વાવવું. બીજામૃતના પટ આપવાથી બીજ વહેલા અને પ્રમાણમાં સારી રીતે ઉગી નીકળે છે. મૂળ ઝડપથી વધે છે. ઉલ્લેખનીય છે કે, ૧૦૦ કિલો બીજ માટે ૫૦ લિટર બીજામૃતની જરૂર પડે છે.
વાવણી પહેલા બિયારણને બીજામૃતનો પટ આપવાની રીત :-
ધાન્ય અને તેલીબીયા પાકો માટે – ચોખા, બાજરા, મકાઈ, જુવાર, તલ, અડસી વગેરે પૈકી જે વાવવું હોય તે બીજ પાથરીને બીજામૃતનો છંટકાવ કરવો ત્યારબાદ તેને હાથથી બરોબર મિશ્ર કરવું અને તડકા પાસેના છાયડામાં સુકવવુ.
મગફળી અને સોયાબીન માટે :-
આ બંને પાકની બહારની ફોતરી ખૂબ જ નરમ હોવાથી તેના બીજને પટ આપતી વખતે બીજામૃતને બદલે ઘન જીવામૃતનો ઉપયોગ ૧૦:૧ ના પ્રમાણમાં કરવો એટલે કે, ૧૦ કિ.ગ્રા બિયારણ હોય તો ૧ કિ.ગ્રા ઘન જીવામૃત ભેળવવું.
કંદમુળ માટે :- બટાકા, હળદર, આદુ, કેળ કે શેરડીના વાવેતર માટે તેની કાતરી સુંડલામાં લઈ તેને બીજામૃતમાં ૩૦-૪૦ સેકન્ડ માટે ડુબાડીને કાઢ્યા બાદ વાવવું.
કઠોળ વર્ગના પાક માટે :- મગ,મઠ, અડદ, તુવેર, ચોળા, વાલ, વટાણા વગેરે જેવા પાકમાં બજામૃતનો છંટકાવ કર્યા બાદ બે હાથોથી મસળવાને બદલે ફક્ત આંગળીઓ ફેરવી ધીરેથી ઉપર નીચે કરવું અને તડકા પાસેના છાયામાં સુકવવું.
બીજામૃતથી બીજ સંસ્કારના અનેક ફાયદાઓ છે. તેનાથી પોષક તત્વોનું વ્યવસ્થાપન મજબૂત બને છે. જમીનજન્ય રોગ સામે રક્ષણ મળે છે. છોડમાં વૃદ્ધિવર્ધકનું કામ કરે છે. જમીનમાં સૂક્ષ્મ જીવાણુંની સંખ્યા વધે છે. બીજની સ્ફૂરણ શક્તિ વધે છે. અંતે પાક ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થાય છે.


















Recent Comments