અમરેલી

સાવરકુંડલાના શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરે પુરુષોત્તમ માસની ભક્તિભાવપૂર્વક ઉજવણી: મહાઆરતી અને મહાપ્રસાદ યોજાયો

ધરીને ભાવ હૈયામાં, 

અમે કાંઠા ઉપર આવ્યા,

તમારા દ્વાર પર સોમેશ્વરના,                            અમે શ્રદ્ધાના ફૂલ લાવ્યા.

​નથી આ ગીત ‘આબુંડું ને                        જાંબુડું’ ફક્ત વ્હાલા,

અમે અર્પીને જીવ પોતાનો,                       પુરુષોત્તમને રીઝાવ્યા.

–“પાંધી સર”

સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ ચંદ્રમૌલિ સોસાયટી સ્થિત શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર સાનિધ્યમાં આજરોજ પુરુષોત્તમ માસ નિમિત્તે પ્રભુને રાજી કરવા માટે ગોપીજનો દ્વારા ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે ‘પુરુષોત્તમ કાંઠા ગોર’નું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આજરોજ પૂર્ણિમાના પવિત્ર અવસરે સમગ્ર ભાવિકો દ્વારા ભવ્ય મહાઆરતી અને મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

​૩૦ – ૩૫ વર્ષ જૂનો ઇતિહાસ અને અતૂટ શ્રદ્ધા

સ્થાનિક અગ્રણીઓ અને ભાવિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં છેલ્લા ૩૫  જેટલા વર્ષોથી, જ્યારે અહીં લાખરામ  બાપુની મઢી હતી, ત્યારથી જ દર પુરુષોત્તમ માસે ભક્તિની આ પરંપરા અવિરત ચાલી આવે છે. સમગ્ર માસ દરમિયાન આ વિસ્તારના ભાવિકો અને ગોપીઓ ભારે ઉત્સાહ સાથે પૂજન-અર્ચન, રાસ, ભક્તિગીતો, હીંડોળા, વનભોજન અને સત્સંગ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવે છે.

આ પવિત્ર સ્થાનકની મહિમા અપરંપાર છે. ભક્તોએ ભાવભરેલ હૈયે  જણાવ્યું હતું કે અહીં ભાવપૂર્વક પૂજન કરવાથી અનેક દીકરીઓના લગ્ન ખૂબ સારા ઘરમાં થયા છે, નોકરી પણ પ્રાપ્ત થાય છે, નિઃસંતાન દંપતીઓને ત્યાં પારણા બંધાયા છે અને અનેક પરિવારોની ગરીબી દૂર થઈ હોવાના જીવંત ઉદાહરણો છે. આજે પૂર્ણિમા નિમિત્તે યોજાયેલા મહાપ્રસાદમાં સૌ કોઈ પોતપોતાની આસ્થા મુજબ સામગ્રી લાવીને કાંઠા ગોરને અર્પણ કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

મંદિરના પૂજારીશ્રી પણ આ ભક્તિમય મહોત્સવમાં સતત ઉપસ્થિત રહી ભક્તોને માર્ગદર્શન પૂરું પાડે છે, જ્યારે ગોરાણીમા તમામ ભાવિકોને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરાવી ધાર્મિક વાર્તા અને સત્સંગ શ્રવણ કરાવે છે. અહીં ગવાતું પરંપરાગત ગીત ‘આબુંડું જાંબુડું કાંઠા ગોર’ એ માત્ર ભક્તિગીત નથી, પરંતુ પુરુષોત્તમ ભગવાનને રાજી કરવા માટે ભક્તોના હૃદયના કાલાવાલા છે. આમ, પ્રકૃતિના ખોળે અને મહાદેવના ચરણોમાં ભગવાન પુરુષોત્તમની આરાધના કરીને સમગ્ર સાવરકુંડલા પંથક ભક્તિરસમાં તરબોળ બન્યો છે.

Related Posts