રાજ્ય સરકાર દ્વારા મોટર વાહન વેરાની નિયમિત અને સમયસર વસૂલાત સુનિશ્ચિત કરવા માટે સતત
પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં, ગુજરાત મોટર વાહન કર અધિનિયમ,૧૯૫૮ હેઠળ ભરવાપાત્ર મોટર
વાહન કર, વ્યાજ અને દંડની રકમ કેટલાક વાહન માલિકો દ્વારા લાંબા સમયથી બાકી રાખવામાં આવી છે.
આ અંગે ભાવનગર પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા અગાઉ નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં અનેક
વાહન માલિકો દ્વારા હજુ સુધી બાકી રકમની ભરપાઈ કરવામાં આવી નથી.
સરકારશ્રીના બાકી લેણાંની વસૂલાત પ્રક્રિયાના ભાગરૂપે તમામ બાકીદાર વાહન માલિકોને અપીલ કરવામાં
આવે છે કે તેઓ અખબારી યાદી પ્રસિદ્ધ થયાની તારીખથી તાત્કાલિક અસરથી ટેક્સ, વ્યાજ અને દંડ સહિતની સંપૂર્ણ
બાકી રકમ સ્વૈચ્છિક રીતે ભરપાઈ કરી કચેરીને સહકાર આપે.
પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાકી રકમની ભરપાઈ નહીં કરવામાં આવે તો
સંબંધિત વાહનોને VAHAN પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરવામાં આવશે. જેના કારણે વાહન ટ્રાન્સફર, ફિટનેસ, પરમિટ,
એન.ઓ.સી., હાઇપોથેકેશન સહિતની વિવિધ ઓનલાઈન સેવાઓ સ્થગિત થઇ જશે.
આ ઉપરાંત, બાકીદાર વાહનોને ડિટેઈન કરી જાહેર હરાજીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે.
સાથે જ, ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯’ ની પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર, સરકારી લેણાંની
વસૂલાત માટે બાકીદાર વાહન માલિકોની સ્થાવર મિલકતો જેમ કે જમીન, મકાન કે દુકાનના દસ્તાવેજો પર કચેરીના
બાકી લેણાં પેટે “સરકારી બોજો” નોંધવાની મહેસૂલ રાહે વહિવટી પ્રક્રિયા હાથ ધરવાની ફરજ પડશે.
વાહન સંબંધિત ઓનલાઈન સેવાઓ પરના પ્રતિબંધો, વાહન ડિટેઈન થવાની સંભાવના તથા ભાવિ કાનૂની
કાર્યવાહીના કારણે થનારી અસુવિધા અને નાણાકીય નુકસાનથી બચવા માટે તમામ બાકીદાર વાહન માલિકોને
તાત્કાલિક બાકી કરની ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
મોટર વાહન કરની બાકી રકમ, તેની ગણતરી અથવા સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે વધુ માહિતી
માટે કચેરી સમય દરમિયાન પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, ભાવનગર નો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકશે
તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.









Recent Comments