ભારે વરસાદ બાદ જ્યારે ગામડાઓના માર્ગો પર પાણી ફરી વળે છે, ત્યારે સૌથી મોટી ચિંતા માત્ર રસ્તાની નહીં, પરંતુ ગામના દૈનિક જીવનની હોય છે. શાળાએ જતાં બાળકો, દૂધ લઈને નીકળતા પશુપાલકો, ખેતરે જતાં ખેડૂતો અને તબીબી જરૂરિયાત ધરાવતા લોકો માટે રસ્તો એટલે જીવનરેખા. આવા સમયે અમરેલી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા હાથ ધરાયેલી ઝડપી કામગીરીએ ગ્રામ્ય જીવનને ફરી ગતિ આપવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે.
અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક અંદાજે ૩,૨૦૦ કિલોમીટર જેટલો વિશાળ ગ્રામ્ય માર્ગ વિસ્તાર આવેલો છે. તાજેતરના ભારે વરસાદને કારણે સાવરકુંડલા, ધારી, ચલાળા, રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં અનેક માર્ગોને નુકસાન પહોંચ્યું હતું અને કેટલાક માર્ગો સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા. જો કે, તંત્રે સમય ગુમાવ્યા વિના વિવિધ ટીમો બનાવીને મરામત કામગીરી શરૂ કરતાં અત્યાર સુધીમાં સંપૂર્ણ બંધ થયેલા માર્ગો પૈકીના ૧૧ માર્ગો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવ્યા છે.
માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેરશ્રી સ્મિત ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ ૦૬ સબ-ડિવિઝનમાં નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીઓ, સેક્શન અધિકારીશ્રીઓ તથા ટેકનિકલ સ્ટાફ સતત સ્થળ પર રહી કામગીરીનું સંકલન કરી રહ્યા છે. વિભાગના અધિકારીશ્રીઓ અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સંયુક્ત સ્થળ નિરીક્ષણ દરમિયાન અત્યાર સુધીમાં ૭૮ માર્ગોને નાની-મોટી નુકસાની પહોંચ્યું હોવાનું ધ્યાને આવ્યું છે.
મરામત કામગીરીમાં આધુનિક યાંત્રિક સાધનો અને માનવબળનો સુમેળ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં હાલ ૪૨ જે.સી.બી., ૧૮ ડમ્પર, ૧૦ ટ્રેક્ટર, રોલર તથા ૬૦થી વધુ શ્રમિકો સતત કાર્યરત છે. વરસાદથી ધોવાઈ ગયેલા માર્ગોને ફરી મજબૂત બનાવવા માટે વેટ મિક્સ, પેચવર્ક, સાઈડ શોલ્ડર મરામત અને લેવલિંગ જેવી ટેકનિકલ કામગીરી ઝડપભેર કરવામાં આવી રહી છે, જેથી માર્ગો માત્ર ખુલ્લા જ નહીં પરંતુ સુરક્ષિત અને ટકાઉ પણ બને.
કાર્યપાલક ઇજનેરશ્રી સ્મિત ચૌધરીએ જણાવ્યું હતું કે, વિભાગનું લક્ષ્ય આગામી ૪૮ કલાકમાં તમામ બંધ માર્ગોને પૂર્વવત કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર સંપૂર્ણપણે સામાન્ય બનાવવાનું છે. વરસાદી પરિસ્થિતિ વચ્ચે પણ મેદાનમાં રહીને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલી સતત દેખરેખ અને ઝડપી નિર્ણય પ્રક્રિયાના કારણે કામગીરીમાં નોંધપાત્ર ગતિ જોવા મળી રહી છે.
ગ્રામ્ય માર્ગો માત્ર મુસાફરી માટેના રસ્તા નથી, પરંતુ ગામડાંની અર્થવ્યવસ્થા, કૃષિ અને સામાજિક જીવનની ધમની સમાન છે. ઘણા વિસ્તારોમાં વૈકલ્પિક માર્ગો ઉપલબ્ધ હોવાને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો નથી, છતાં સામાન્ય નાગરિકોને સરળ અને ટૂંકા અંતરની અવરજવર ફરી ઉપલબ્ધ થાય તે માટે વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.
પ્રકૃતિ સામે માનવની લડાઈમાં ઘણી વખત પડકારો મોટા હોય છે, પરંતુ સમયસરની આયોજનબદ્ધ કામગીરી અને સેવાભાવથી તે પડકારોને તકમાં ફેરવી શકાય છે.
અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી માત્ર રસ્તાઓની મરામત પૂરતી સીમિત નથી, પરંતુ તે ગ્રામ્ય જનજીવનને ફરી ગતિ આપવાનો, લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનો અને વિકાસના પૈડાં અટકવા ન દેવાનો એક જીવંત પ્રયાસ છે.















Recent Comments