અમરેલી

અમરેલી જિલ્લામાં વરસાદી મહેર: 10 જળાશયો ભરાયા, 5 ડેમના દરવાજા ખુલ્યા; ખોડિયાર ડેમ સહિત અનેક જળાશયો છલકાયા

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અવિરત વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થઈ છે. પરિણામે જિલ્લાના 10 જેટલા જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે અને કેટલાક ડેમોમાંથી પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લાના સૌથી મોટા ધારી તાલુકાના ખોડિયાર ડેમમાં પાણીની સપાટી રૂલ લેવલ સુધી પહોંચતા તેના 2 દરવાજા 15 સેન્ટીમીટર સુધી ખોલવામાં આવ્યા છે.

આ ઉપરાંત ઠેબી ડેમનો 1 દરવાજો 1 ફૂટ અને રાયડી ડેમનો 1 દરવાજો 1 ઇંચ સુધી ખુલ્લો રાખવામાં આવ્યો છે. રાજુલા તાલુકાનો ધાતરવડી-1 ડેમ ઓવરફ્લો થયો છે, જ્યારે ખાખબાઈ નજીક આવેલા ધાતરવડી-2 ડેમના 10 દરવાજા 2 ફૂટ સુધી ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે.

જિલ્લામાં સતત વરસાદને કારણે તમામ મુખ્ય જળાશયોમાં પાણીની આવક અને જાવક યથાવત છે. હાલ રૂલ લેવલ જાળવવા જિલ્લાના કુલ 5 ડેમોના દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને નદી-નાળાઓ તેમજ ડેમ નજીક ન જવા અપીલ કરવામાં આવી છે. ખેડૂતો અને નાગરિકોમાં જળાશયો છલકાતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આવનારી સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાત માટે આ પાણી મહત્વપૂર્ણ સાબિત થશે.

Related Posts