અમરેલી

ગોપાલગ્રામ-ચલાલા રોડ પર માઈનોર બ્રિજની પહોળાઈ વધારવાની કામગીરી પૂર્ણ

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ગોપાલગ્રામથી ચલાલા રોડ પર કિ.મી. ૧૯/૩૭૫ ખાતે આવેલા માઇનોર બ્રિજની પહોળાઈ વધારવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

બ્રિજની કામગીરી પૂર્ણ થતાં અગાઉ બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી વાહનવ્યવહાર બંધ કરી હવે મૂળ બ્રિજના સ્ટ્રક્ચર પરથી વાહનવ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. બ્રિજની પહોળાઈમાં વધારો થતાં વાહનોની અવરજવર વધુ સુગમ અને સલામત બનશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન વરસાદી પરિસ્થિતિમાં ડાયવર્ઝનના કારણે સર્જાતી મુશ્કેલીઓ દૂર થતાં વાહનવ્યવહાર કોઈપણ પ્રકારની અડચણ વિના ચાલુ રહી શકશે.

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા સમયસર કામગીરી પૂર્ણ કરી વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવામાં આવતા સ્થાનિક ગ્રામજનો તેમજ આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકોને નોંધપાત્ર રાહત મળી છે.

Related Posts