દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ તથા તેમના જાહેરજીવનની ૨૫ વર્ષની અવિરત સેવાયાત્રા નિમિત્તે સાવરકુંડલા ખાતે ભવ્ય અને ભાવસભર ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંતો-મહંતોના પાવન આશીર્વાદ, હજારો દીવડાઓના ઝળહળતા પ્રકાશ અને મોટી સંખ્યામાં ઉમટી પડેલા નગરજનોની રાષ્ટ્રભાવનાથી સાવરકુંડલાની ધરતી પર અનોખો આધ્યાત્મિક અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત માહોલ સર્જાયો હતો.
આ કાર્યક્રમમાં સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમા સંતો-મહંતોની પાવન ઉપસ્થિતિમાં ધારાસભ્યશ્રી સહિત ઉપસ્થિત સૌએ દીપ પ્રજ્વલિત કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને રાષ્ટ્રસેવા માટે અવિરત શક્તિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે સંતો-મહંતોએ વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ પાઠવી તેમના રાષ્ટ્રસેવાના સંકલ્પને વધુ બળ મળે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની જાહેર જીવનની સેવાયાત્રાને બિરદાવતા નગરજનો અને ઉપસ્થિત કાર્યકરોએ હજારો દીવડાઓ પ્રજ્વલિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
એક પછી એક પ્રજ્વલિત થતા દીવડાઓ સાથે જાણે સાવરકુંડલાની ધરતી પરથી એક જ ભાવના પ્રકાશિત થઈ રહી હતી ‘રાષ્ટ્રસેવાના આ દીપને વધુ પ્રકાશ મળે, નરેન્દ્રભાઈ મોદીને દીર્ઘાયુષ્ય મળે અને ભારત વધુ ઊંચાઈઓ સર કરે.’
આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ અને તેમની સેવાયાત્રાના વિવિધ પાસાઓનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું હતું.
તેમણે નરેન્દ્રભાઈના વ્યક્તિત્વમાં રહેલી નમ્રતા, નૈતિકતા, નિર્ણાયકતા, નિર્ભયતા, નિપુણતા, નિર્મળતા અને નિયમિતતા જેવા ગુણોને તેમની જાહેરજીવનની યાત્રા સાથે સાંકળીને રોચક અને ભાવસભર રજૂઆત કરી હતી.
શ્રી કસવાલાએ જણાવ્યું હતું કે, ૨૫ વર્ષની જાહેરજીવનની આ યાત્રા માત્ર સત્તાની યાત્રા નથી, પરંતુ સંકલ્પ, સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણની યાત્રા છે. તેમના સંબોધન દરમિયાન અનેક પ્રસંગોના ઉલ્લેખથી ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા.
‘દીપ પ્રજ્વલન માત્ર એક કાર્યક્રમ ન રહેતાં તે રાષ્ટ્રસેવા, જનકલ્યાણ અને ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટેની સામૂહિક પ્રાર્થનાનું પ્રતીક બની ગયું હતું.
આ આશીર્વાદ દિવો કાર્યક્રમમા ઉપસ્થિત સૌએ વડાપ્રધાનશ્રીને દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તથા તેમના નેતૃત્વ હેઠળ ભારત વિકાસના નવા શિખરો સર કરે, આત્મનિર્ભર, સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્ર તરીકે વિશ્વમાં વધુ મજબૂત સ્થાન પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના કરી હતી.
આ કાર્યક્રમ સંતો-મહંતોના આશીર્વાદ, જનતાની લાગણી અને કાર્યકરોના ઉત્સાહથી સમગ્ર વાતાવરણ ભક્તિ, રાષ્ટ્રભાવના અને સેવાભાવના ત્રિવેણી સંગમ સમાન બની ગયું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને જાહેરજીવનની ૨૫ વર્ષની સેવાયાત્રાને સમર્પિત આ ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ દ્વારા સાવરકુંડલાની જનતાએ એકસાથે દીવડાઓ પ્રજ્વલિત કરી દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને અવિરત રાષ્ટ્રસેવા માટે હાર્દિક શુભેચ્છાઓ અને પ્રાર્થના પાઠવી હતી.
દીવડો એક હતો, લાગણી હજારોની હતી…
પ્રકાશ એક હતો, સંકલ્પ સમગ્ર રાષ્ટ્રનો હત અને પ્રાર્થના એક જ હતી ‘નરેન્દ્રભાઈ મોદીને દીર્ઘાયુષ્ય મળે, ભારત સતત પ્રગતિના પંથે આગળ વધે અને રાષ્ટ્રસેવાનો આ પ્રકાશ અવિરત પ્રજ્વલિત રહે.’
આ પ્રસંગે જિલ્લા પ્રભારી શ્રી અભયભાઈ ચૌહાણ, અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી દક્ષાબેન ચોવડિયા, જિલ્લા ભાજપના હોદ્દેદારો, તાલુકા તથા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો, નગરપાલિકાના હોદ્દેદારો તથા સદસ્યો, તાલુકા પંચાયતના હોદ્દેદારો તથા સદસ્યો, તાલુકા વિસ્તારના આચાર્યો, વિદ્યાર્થીઓ તેમજ સાવરકુંડલા શહેર અને તાલુકાના મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.




















Recent Comments