અમદાવાદ: અમદાવાદ શહેરમાં રસ્તાઓ અને ફૂટપાથ પર શાકભાજી, ફળ તથા અન્ય નાના વ્યવસાય દ્વારા પરિવારનું ગુજરાન ચલાવતા સ્ટ્રીટ વેન્ડર્સ અને નાના વેપારીઓ સામે ચાલી રહેલી કાર્યવાહી અંગે Human Rights Federation Inc. દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
સંસ્થાના જણાવ્યા અનુસાર, નાના વેપારીઓ સામે માલસામાન જપ્ત કરવાની તથા દંડાત્મક કાર્યવાહી થતી હોવાના મુદ્દે માનવ અધિકાર અને રોજગારના હક્કના દૃષ્ટિકોણથી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
Human Rights Federation Inc. દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ માંગ કરવામાં આવી છે કે આવા નાના વેપારીઓની રોજીરોટી અને આજીવિકા સાથે સંકળાયેલા પ્રશ્નોને માનવતાપૂર્વક ધ્યાનમાં લેવામાં આવે તથા કાર્યવાહી કરતા પહેલાં કાયદેસર અને વ્યવહારુ વૈકલ્પિક વ્યવસ્થા અંગે વિચાર કરવામાં આવે.
સંસ્થાએ ખાસ કરીને યોગ્ય વેન્ડિંગ ઝોન, નિયમિત જગ્યાઓ અને પારદર્શક વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં જરૂરી પગલાં લેવા માંગ કરી છે, જેથી એક તરફ શહેરની વ્યવસ્થા અને ટ્રાફિક-ફૂટપાથ વ્યવસ્થાપન જળવાઈ રહે અને બીજી તરફ નાના વેપારીઓની આજીવિકા પર અનાવશ્યક અસર ન પડે.
Human Rights Federation Inc.નું કહેવું છે કે શહેરના વિકાસ સાથે ગરીબ અને શ્રમજીવી વર્ગના રોજગારના પ્રશ્નોનું પણ સંતુલિત અને કાયદેસર રીતે નિરાકરણ આવવું જરૂરી છે.
સંસ્થા સંબંધિત સત્તાવાળાઓને વિનંતી કરે છે કે આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપી સ્ટ્રીટ વેન્ડર્સ અને નાના વેપારીઓ માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા અંગે નિર્ણય લેવામાં આવે.



















Recent Comments